જેટ ઍરવેઝમાં ટૉપના ત્રણ અધિકારીનાં ધડાધડ રાજીનામાં

ઍરલાઇન્સ કંપનીની મુશ્કેલી વધી : ફાઈનાન્સ અધિકારી પછી સીઇઓ સહિતનાં ત્રણ રાજીનામાં

મુંબઈ, તા. 14 : જેટ એરવેઝની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઇ રહી. આર્થિક તંગીના કારણે સંચાલન ટૂંકા સમય માટે બંધ થયા બાદ તેમના વરિષ્ઠ અધિકારીઓ પણ સતત રાજીનામું આપી રહ્યા છે. કંપનીના એક્ઝિક્યુટિવ અને મુખ્ય ફાઇનાન્સ અધિકારી અમિત અગ્રવાલ બાદ હવે સીઇઓ વિનય દુબે અને ચીફ પીપલ ઓફિસર રાહુલ તનેજા તેમ જ કંપની સેક્રેટરી કુલદીસ શર્માએ પણ રાજીનામું આપી દીધું છે. મંગળવારે જ કંપનીના ચીફ ફાયનાન્સ ઓફિસરે અગ્રવાલના રાજીનામાની જાહેરાત કરી તે પછી જણાવ્યું કે, તેમણે વ્યક્તિગત કારણોને લઇને રાજીનામું આપ્યું છે. એ પછી તુરત દુબે, તનેજા અને શર્માએ પણ રાજીનામું આપી દીધું હતું. વિનય દુબેએ પણ રાજીનામા પાછળ વ્યક્તિગત કારણોને ટાંક્યા હતા.
દુબે જેટની સાથે ઓગસ્ટ-2017માં જોડાયા હતા અને એથી પહેલાં ડેલ્ટ એરલાઇન્સ અને અમેરિકન એરલાઇન્સની સાથે પણ કામ કરી ચૂક્યા છે. એસ્સાર ગ્રુપના એચઆર હેડ રહી ચૂકેલા તનેજા ફેબ્રુઆરી-2016થી જેટ એરવેઝ સાથે હતા. અગ્રવાલ ફાયનાન્સ વડાના રૂપમાં ડિસેમ્બર-2015માં જેટમાં જોડાયા હતા. તેમને નવેમ્બર-17માં ડેપ્યુટી સીઇઓની વધારાની જવાબદારી અપાઇ હતી.
Published on: Wed, 15 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer