ખેડૂતોને વળતર અને જવાબદારો સામે પગલાં લેવા કૉંગ્રેસની માગણી

ખેડૂતોને વળતર અને જવાબદારો સામે પગલાં લેવા કૉંગ્રેસની માગણી
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 14 : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ખાતર કૌભાંડ મામલે ઉઠેલી ફરિયાદો બાદ ગઇકાલે ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી જીએસએફસી કંપની દ્વારા તપાસની ખાતરી આપવામાં આવી હતી. જીએસએફસીના એમડી સુજીત ગુલાટીએ દાવો કર્યો કે, ખાતરની ગૂણીઓમાં ઘટ એ કોઇ કૌભાંડ નથી, પરંતુ પ્રોડક્શન એરર છે. ખાતર કૌભાંડ મુદ્દે આક્રમક વલણ અપનાવતા કૉંગ્રેસના ધારાસભ્યો હર્ષદ રિબડિયા, લલિત કગથરા, લલિત વસોયા, ચિરાગભાઇ કાલરિયા અને ઋત્વિકભાઇ મકવાણાએ આજે કૃષિ સચિવ સંજય પ્રસાદને મળીને ખેડૂતોને વળતર આપવા અને જવાબદારો સામે પગલાં લેવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. આ બાદ તેઓએ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને આવેદનપત્ર આપી ખાતર કૌભાંડની તપાસ સમયમર્યાદામાં કરવા અને તપાસ થતા સુધી જીએસએફસીના બોર્ડ અૉફ ડિરેકટર્સને દૂર કરવાની માગણી કરી હતી. જે ખેડૂતોએ ખાતર ખરીદેલ છે તેને વળતર આપવામાં આવે તેમ જ ખેડૂતોને તાત્કાલિક અસરથી ખાતર મળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી. 
કૉંગ્રેસના નેતાઓ દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં સરકાર પર પ્રહાર કરતા કૉંગ્રેસ કિસાન સેલ અધ્યક્ષ પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, દરેક બોરીમાં 705 ગ્રામનો ઘટાડો હતો. જીએસએફસીએ 300 ગ્રામનો દાવો કર્યો તે ખોટો છે. મીડિયાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરવામાં આવી  રહ્યો છે. ખાતર કૌભાંડ મુદ્દે ચોરી કરનારને જ તપાસ સોંપવામાં આવી છે. તોલમાપ વિભાગના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. ઓછામાં ઓછો 200 કરોડનો ભ્રષ્ટાચાર થાય છે. 
વાસ્તવમાં મેન્યુફેક્ચર એરરના નામે આખે આખા કૌભાંડને દબાવવાનો પ્રયત્ન થઇ રહ્યો હોવાનો આક્ષેપ કરતા કૉંગ્રેસના લલિત કગથરાએ જણાવ્યું હતું કે, તોલમાપની ભૂલ એ ફોજદારી ગુનો બને છે. અધિકારીઓ સામે ફોજદારી કેસ થવો જોઇએ. ભાજપના કાર્યકરો જ કૌભાંડમાં સામેલ હોવાથી કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. સરકાર કોઇને પકડવા માગતી નથી.  તો કૉંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકારે કેબિનેટમાં આ મામલે ચર્ચા કરીને જવાબ આપવો જોઇએ. દોઢ વર્ષ જૂની બોરીમાં પણ 600 ગ્રામ ખાતર ઓછું છે તો આ કૌભાંડ ક્યારથી ચાલી રહ્યું છે અને તેના કારણો કૃષિપ્રધાન સમજાવે.
Published on: Wed, 15 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer