ઐયરે વડા પ્રધાન માટે વાપરેલા અભદ્ર શબ્દ પ્રયોગને ઉચિત ઠેરવ્યો

ઐયરે વડા પ્રધાન માટે વાપરેલા અભદ્ર શબ્દ પ્રયોગને ઉચિત ઠેરવ્યો
ભાજપનો વળતો પ્રહાર
 
જોકે કૉંગ્રેસે પક્ષના નેતાના નિવેદનને વખોડયું, પરંતુ સાથોસાથ વડા પ્રધાન મોદીની પણ ટીકા કરી

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 14 : લોકસભાની ચૂંટણીના મતદાનનો છેલ્લો તબક્કો બાકી છે ત્યારે કૉંગ્રેસના નેતા મણિશંકર ઐયરે ફરી એકવાર તેમના પક્ષને કફોડી હાલતમાં મૂક્યો છે અને વડા પ્રધાનની છબિને વધુ મજબૂત કરી છે. 19મી મેના વડા પ્રધાનના મતદાન ક્ષેત્ર વારાણસીમાં મતદાન થવાનું છે. 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન મોદી વિષે પોતે કહેલા `નીચ' શબ્દને ઐયરે એક લેખમાં વ્યાજબી ઠરાવ્યો હતો. આ શબ્દનો ઉપયોગ કરવા માટે તેમને બે વર્ષ પહેલાં પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સ્વાભાવિક છે કે આવા અંગત અપશબ્દો વડા પ્રધાન માટે `ભેટ' સમાન સાબિત થાય છે અને તેમની તરફેણમાં વાતાવરણ ઊભું થાય છે, કારણ કે થોડા કલાક બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક રૅલીમાં જણાવ્યું હતું કે `સપા, બસપા અને કૉંગ્રેસના આ `મહામિલાવટી' લોકો મને ગાળો આપે છે એવો કોઈ દિવસ ગયો નથી જ્યારે તેમણે મને ગાળો આપી ન હોય. ચૂંટણીના છ તબક્કા બાદ તેમની આવી હાલત થઈ ગઈ છે. હું તેમની ગાળોને ભેટ ગણું છું. હું તેમને જવાબ નહીં આપું, જનતા તેમને જવાબ આપશે.' અત્રે એ યાદ રહે કે, મણિશંકર ઐયરે નીચ શબ્દનો પ્રયોગ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માહોલ ભાજપ તરફ વાળી દીધો હતો.
કૉંગ્રેસે મંગળવારે વડા પ્રધાન અંગે મણિશંકર ઐયરની આ ટિપ્પણીની ટીકા કરી હતી, પરંતુ સાથેસાથે પોતાના રાજકીય વિરોધીઓ વિષે હલકી ભાષાનો પ્રયોગ કરવા બદલ વડા પ્રધાન પર પણ આક્ષેપ કર્યો હતો.
કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે અમે રાજકીય સંભાષણમાં સ્વયં શિસ્તના સમયની કસોટી પર ખરા ઊતરેલા સિદ્ધાંતનો ભંગ કરનારા મણિશંકર ઐયર કે તેમ કરતી કોઈ પણ વ્યક્તિની ટીકા કરીએ છીએ અને આવી ટિપ્પણીને નકારી કાઢીએ છીએ. તમારા રાજકીય વિરોધીને માન આપવું જોઈએ અને આ વાત રાહુલ ગાંધીએ સંસદમાં બતાવી હતી.
રણદીપ સૂરજેવાલાએ એવો આક્ષેપ કર્યો હતો કે, તિરસ્કાર, હિંસા અને હલકી ભાષાનો પ્રયોગ એ ભાજપની મોડસ ઓપરેન્ડી છે અને કૉંગ્રેસની નથી. `છેલ્લાં પાંચ વર્ષમાં આપણે જોયું છે કે કેવી રીતે બદલાની ભાવનાએ નરેન્દ્ર મોદીને `અંધ' બનાવી દીધા છે અને તેમણે કેવી રીતે તેમના રાજકીય વિરોધીઓ વિશે અપમાનજનક અને હલકી ભાષાનો ઉપયોગ કર્યો છે. 
Published on: Wed, 15 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer