અમિત શાહના રોડ-શોમાં ભાજપ-તૃણમૂલ સમર્થકો વચ્ચે હિંસક અથડામણ

અમિત શાહના રોડ-શોમાં ભાજપ-તૃણમૂલ સમર્થકો વચ્ચે હિંસક અથડામણ
પથ્થરમારો, આગજની : પોલીસે તોફાનીઓને વિખેરવા બળપ્રયોગ કર્યો

કોલકાતા, તા. 14 (પીટીઆઈ) : લોકસભા ચૂંટણીનો હવે એકમાત્ર અંતિમ તબક્કો બાકી છે અને અગાઉનાં છ ચરણનાં મતદાનમાં હિંસાનો સામનો કરી ચૂકેલા પશ્ચિમ બંગાળમાં આ વખતે સાતમા તબક્કાનાં મતદાન પહેલા જ ભારે તોફાન મચી ગયું છે. આજે પશ્ચિમ બંગાળનાં પાટનગર કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો રોડ-શો અને સભા હતી. આ બન્ને દરમિયાન ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસનાં સમર્થકો વચ્ચે ભીષણ અથડામણો સર્જાઈ હતી અને આગજની પણ થઈ હતી. જેને પગલે પોલીસે બળપ્રયોગ પણ કરવાની ફરજ પડી હતી. અમિત શાહે આના હિંસા માટે મમતા બેનરજી સરકારને જવાબદાર ઠરાવી છે અને ભાજપ ચૂંટણી પંચમાં આ વિશે ફરિયાદ પણ કરશે.
આજે અમિત શાહનાં રોડ-શો પહેલા જ બન્ને પક્ષો વચ્ચે ચકમક ઝરવાની શરૂઆત થઈ ગઈ હતી. શાહ અને મોદીનાં પોસ્ટરો ઉતારવામાં આવતાં બન્ને પક્ષનાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ યોજાયેલા રોડ-શો વેળા કોલેજ સ્ટ્રીટ નજીક કથિત તૃણમૂલ સમર્થકો અને ડાબેરી છાત્ર સંગઠનોનાં કાર્યકરોએ ભારે પથ્થરમારો કર્યો હતો. જેમાં ભાજપનાં કાર્યકરો ઉપરાંત પત્રકારો પણ ઘવાયા હતાં. રોડ-શો દરમિયાન ટ્રક ઉપર દંડા ફેંકવામાં આવ્યા બાદ મારામારી શરૂ થઈ હતી. અમિત શાહનાં કાફલા ઉપર પથ્થરમારો થયા બાદ ભાજપ કાર્યકરોએ પણ આસપાસ તોડફોડ મચાવીને આગચંપી કરી હોવાનું કહેવાય છે. વિદ્યાસાગર કોલેજમાં ઈશ્વરચંદ્રની પ્રતીમા પણ ખંડિત કરી દેવામાં આવી હતી. કૉલેજની બહાર પાર્ક કરાયેલી અનેક મોટરસાઈકલોને પણ આગ ચંપાઈ હતી. પોલીસો પાણી ભરેલી બાલદીઓ સાથે આગ બુઝાવવા પ્રયાસ કરી રહેલા નજરે પડયા હતા. સ્થિતિ બેકાબૂ બનતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને બન્ને પક્ષનાં કાર્યકરોને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યાં સુધીમાં સ્થિતિ ભારેલા અગ્નિ જેવી બની ગઈ હતી. આ હોબાળાને પગલે અમિત શાહે રોડ-શો પણ અધવચ્ચેથી જ અટકાવી દીધો હતો. 
Published on: Wed, 15 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer