હું નથી માનતો કે EVM સાથે ચેડાં કરી શકાય છે : અજીત પવાર

મુંબઈ, તા. 15 : એનસીપીના પ્રમુખ શરદ પવારે તાજેતરમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)માં કરેલા ગેરરીતિઓના દાવા બાદ તેમના ભત્રીજા અને પક્ષના નેતા અજીત પવારે સોમવારે જણાવ્યું હતું કે `આ મશીનો સાથે ચેડાં કરવાનું શક્ય છે એમ હું નથી માનતો.'
`મને લાગે છે કે ઇવીએમ સાથે ચેડાં કરી શકાતાં હોત તો ભાજપનો ગયા વર્ષ્રે પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં પરાજય ન થયો હોત. ચૂંટણીનું આયોજન મોટા પાયા પર થાય છે અને મને નથી લાગતું કે ઇવીએમમાં ગેરરીતિ આચરવી એટલી બધી સરળ છે.' એમ તેમણે જણાવ્યું હતું.
અજીત પવારે કરેલું આ નિવેદન કંઈ નવું નથી તેમણે ચૂંટણીપ્રચાર વખતે પણ આ વાત દોહરાવી હતી. પુણેમાં પ્રચાર દરમિયાન તેમણે ઇવીએમમાં ગેરરીતિને લીધે પોતે ચૂંટણી હારી ગયાનું જણાવનારા એનસીપીના એક ઉમેદવારની ઉગ્ર ટીકા કરી હતી.
બારામતીમાં અમને મોટી સરસાઈ મળે છે એ કેવી રીતે શક્ય છે. ઇવીએમ તો અહીં પણ વપરાય જ છે. તમે ફક્ત બટન દાવો છો. ઇવીએમને દોષ શા માટે આપો છો? એમ અજીત પવારે જણાવ્યું હતું.

Published on: Wed, 15 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer