શહેરમાં પાંચમી જૂને અમીછાંટણાની શક્યતા

મુંબઈ, તા. 15 : મુંબઈસ્થિત હવામાન નિષ્ણાતોના `વેગેરીઝ અૉફ વેધર' નામનો લોકપ્રિય બ્લોગ ચલાવતા ગ્રુપે એવી આગાહી કરી છે કે શહેરમાં 14મી જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ શકે છે, જ્યારે પાંચમી જૂનની આસપાસ અમીછાંટણાં થવાની શક્યતા છે.
મહાલક્ષ્મીસ્થિત રાજેશ કાપડિયા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી હવામાનની આગાહી કરવાના ક્ષેત્રે કાર્યરત હોઈ તેમણે જણાવ્યું હતું કે આ આગાહીઓ વર્તમાન હવામાનની સ્થિતિ પર આધારિત હોય છે અને હકીકત એ છે કે ચોમાસાના અરબી સમુદ્રની સી-બ્રાન્ચમાં થોડા ઘણા વિલંબની સંભાવના છે. તેમણે કહ્યું હતું કે દક્ષિણ છેડેથી આવનારા ચોમાસુ પવન બે બ્રાન્ચમાં આગળ વધે છે. અરેબિયન સી-બ્રાન્ચ જે પશ્ચિમી કાંઠા તરફ વરસાદ લાવે છે અને બંગાળના અખાતની બ્રાન્ચ, જે પૂર્વના કાંઠા તરફ વરસાદ લાવે છે.
વર્તમાન ચિત્ર મુજબ અરેબિયન સી-બ્રાન્ચ નબળી પડી હોવાથી પશ્ચિમ દિશામાં ચોમાસાનું આગમન મોડું થઈ શકે છે. જોકે બંગાળના અખાતની બ્રાન્ચ મજબૂત જણાય છે અને 20-21 મે સુધીમાં ચોમાસું દક્ષિણ આંદામાન પહોંચી શકે છે, જે દેશમાં સર્વપ્રથમ વરસાદ લાવશે.
ભારતીય હવામાન વિભાગના જણાવવા મુજબ ચોમાસાના આગમનની રાબેતા મુજબની તારીખ 10મી જૂન છે. ગયા વર્ષે 9મી જૂને તેનું આગમન થયું હતું.

Published on: Wed, 15 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer