મમતાના ગઢમાં મોદીની આજે બે જાહેરસભા

મમતાના ગઢમાં મોદીની આજે બે જાહેરસભા
કોલકાતા, તા. 15 : ભાજપ અધ્યક્ષ અમિત શાહની રૅલીમાં ભારે હિંસાચાર પછી આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં જાહેરસભા લેવાના છે. બંગાળના હસનાબાદ અને ડાયમંડ હાર્બર એમ બે સ્થળોએ મોદી પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. બંગાળમાં હાલ જે તાણભરી સ્થિતિ છે તેની પાર્શ્વભૂમિકા પર નરેન્દ્ર મોદીની આ સભા પ્રતિ સૌનું ધ્યાન કેન્દ્રિત થયું છે.
દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ એક વખત ફરી ભાજપ પર હુમલો કર્યો છે. મમતાએ કહ્યું શું અમિત શાહ ભગવાન છે કે તેની વિરુદ્ધ દેખાવ ન કરી શકાય. મંગળવારે કોલકાતામાં શાહના રોડ શોમાં હોબાળો થયો હતો. શાહ જે વાહનમાં હતા તેના પર દંડા ફેંકવામાં આવ્યા હતા. રોડ શો પર કેટલાક લોકોએ પથ્થર ફેંક્યા અને આગચંપી પણ કરવામાં આવી. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો. જે બાદ શાહે રોડ શો ખતમ કરી દીધો હતો. 
મમતાએ કહ્યું કે, `ભાજપ અસંસ્કારી છે, તેથી તેઓએ વિદ્યાસાગરની મૂર્તિ તોડી. તેઓ બહારના લોકો છે. શું શાહ કોલકાતા વિશ્વવિદ્યાલયની વિરાસત અંગે કંઈ જાણે છે? શું તેઓ જાણે છે કે કઈ મહાન હસ્તિઓએ અહીં અભ્યાસ કર્યો? આ પ્રકારના હુમલાઓ માટે તેમને શરમ આવવી જોઈએ.' 
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાને  એમ પણ કહ્યું કે કોલકાતામાં શાહ અને વડા પ્રધાન મોદીના મોટા મોટા કટઆઉટ લગાવવામાં આવ્યાં છે. ભાજપ અહીં ઘણા જ રૂપિયા ખર્ચી રહ્યું છે. ચૂંટણી પંચે તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કેમ નથી કરતું? આ વચ્ચે બંગાળમાં ભડકેલી હિંસાને લઈને તૃણુમૂલ નેતાઓનું પ્રતિનિધિમંડળ બુધવારે ચૂંટણી પંચને મળશે. જ્યારે ભાજપે ચૂંટણી પંચને અપીલ કરી છે કે મમતાને પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરતાં રોકવા જોઈએ. ભાજપનો આરોપ છે કે રાજ્યમાં બંધારણીય તંત્ર ખતમ થઈ ગયું છે. શાહના રોડ શોમાં હિંસા પછી મંગળવારે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાનીમાં ભાજપનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું હતું. ભાજપે પંચને બંગાળના મામલે તાત્કાલિક દરમિયાનગીરી કરવાની અપીલ કરી છે, કે જેથી ત્યાં નિષ્પક્ષ ચૂંટણી થઈ શકે. Published on: Wed, 15 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer