પાક. સામે ઇંગ્લેન્ડે 31 દડા બાકી રાખીને 359 રનનો લક્ષ્ય હાંસલ કર્યોં

પાક. સામે ઇંગ્લેન્ડે 31 દડા બાકી રાખીને 359 રનનો લક્ષ્ય હાંસલ કર્યોં
ત્રીજા વન ડેમાં પાક. સામે ઇંગ્લેન્ડની 6 વિકેટે ધસમસતી જીત : બેયરસ્ટોની આતશી સદી : ઇમામની દોઢી સદી એળે ગઇ
 
બ્રિસ્ટલ, તા.15: વર્લ્ડ કપ પૂર્વે ઇંગ્લેન્ડની ટીમે તેનું ધસમસતું ફોર્મ જાળવી રાખ્યું છે. વિકેટકીપર-બેટસમને જોની બેયરસ્ટોની આક્રમક સદીથી ઇંગ્લેન્ડે મોટા સ્કોરવાળા ત્રીજા વન ડેમાં 31 દડા બાકી રાખીને પાકિસ્તાનને 6 વિકેટે હાર આપી હતી. આથી ઇંગ્લેન્ડ પ વન ડેની શ્રેણીમાં 2-0થી આગળ થયું છે. પહેલો મેચ વરસાદમાં ધોવાઇ ગયો હતો. પાકિસ્તાને ઓપનર ઈમામ ઉલ હકને શાનદાર દોઢી સદી (151)થી 50 ઓવરમાં 9 વિકેટે 358 રનનો જંગી જુમલો ખડકયો હતો. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે ઝડપી બેટિંગ કરીને 44.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. જોની બેયરસ્ટોએ 93 દડામાં15 ચોક્કા અને 5 છક્કાથી 128 રનની આકર્ષક ઇનિંગ રમી હતી. 
પહેલો દાવ લેનાર પાક.ની શરૂઆત સારી રહી ન હતી. પાછલા મેચમાં સદી કરનાર ફખર જમાં પહેલી ઓવરમાં જ આઉટ થઇ ગયો હતો. આ પછી બાબર આઝમ 15 રને પાછો ફર્યોં હતો. બે વિકેટ જલ્દી ગુમાવ્યા બાદ ઇમામ ઉલ હકના સાથમાં હેરિસ સોહિલ (41)એ પાક.ની ઇનિંગ સંભાળી હતી. બન્ને વચ્ચે ત્રીજી વિકેટમાં 67 રનની ભાગીદારી થઇ હતી. આ પછી ઇમામે ચોથી વિકેટમાં સુકાની સરફરાઝ (27) સાથે ચોથી વિકેટમાં 67 રનની અને આસિફ અલી (52) સાથે પાંચમી વિકેટમાં 123 રનની ભાગીદારી કરી હતી. ઇમામે તેની છઠ્ઠી વન ડે સદી 97 દડામાં પૂરી કરી હતી. તે 131 દડામાં 16 ચોક્કા અને 1 છક્કાથી 151 રને આઉટ થયો હતો. પાકિસ્તાનના 9 વિકેટે 358 રન બન્યા હતા.
જવાબમાં બેયરસ્ટો અને જેસન રોયે ઇંગ્લેન્ડ માટે આક્રમક શરૂઆત કરી હતી. બન્ને વચ્ચે પહેલી વિકેટમાં 159 રનની ભાગીદારી થઇ હતી. રોય પપ દડામાં 76 રન કરી આઉટ થયો હતો. બેયરસ્ટોએ તેની સદી 74 દડામાં પૂરી કરી હતી. આ પછી તે 93 દડામાં 128 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી પાછો ફર્યોં હતે. જો રૂટે 43, મોઇન અલીએ અણનમ 46 અને સ્ટોકસે 46 રન કર્યાં હતા. આથી ઇંગ્લેન્ડે 31 દડા બાકી રાખીને 44.5 ઓવરમાં 4 વિકેટે 359 રન કરીને જીત મેળવી હતી.
Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer