ટૅક્સ ઓડિટ રિપોર્ટમાં જીએસટી અને `ગાર''ની વિગતો

ટૅક્સ ઓડિટ રિપોર્ટમાં જીએસટી અને `ગાર''ની વિગતો
સામેલ કરવાની મુદત લંબાવાઈ

નવી દિલ્હી, તા.15 : કંપનીઓએ તેમના ટૅક્સ ઓડિટ રિપોર્ટમાં ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) અને જનરલ એન્ટિ-એવોઈડન્સ રુલ્સ (જીએએઆર-`ગાર')ની વિગતો સામેલ કરવાની શરત આવક વેરા વિભાગે બીજી વખત મોકૂફ રાખી છે. ઈન્કમ ટૅક્સ ઓડિટ ફોર્મમાં જીએસટીની જરૂરી માહિતી પૂરી પાડવા માટેની નવી સમયમર્યાદા 31 માર્ચ, 2020 નક્કી કરવામાં આવી છે. 
જે બિઝનેસનું ટર્નઓવર રૂા.1 કરોડથી વધુ હોય (અથવા પ્રિઝમ્પટીવ (સંભવવિત) ટૅક્સસેશન હેઠળ રૂા.2 કરોડથી વધુની આવક જાહેર કરી હોય) અને એવા પ્રોફેશલ્સ જેમની ગ્રોસ રિસિપ્ટ્સ રૂા.50 લાખથી વધુ હોય તો તેમણે ટૅક્સ ઓડિટ કરાવવું ફરજિયાત છે. અગાઉ આ માટેની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર હતી અને જો કરદાતા ટ્રાન્સફર પ્રાઈસિંગ જોગવાઈ અંતર્ગત હોય તો તેમની માટે સમયમર્યાદા 30 નવેમ્બર હતી. 
સેન્ટ્રલ બોર્ડ અૉફ ડાયરેક્ટ ટૅક્સિસ (સીબીડીટી)એ આદેશમાં કહ્યું કે, કલમ 30સી અને કલમ 44 અંતર્ગત ફોર્મ નં.3સીડીમાં વધુ રિપોર્ટિંગ માટેના નિર્ણયને હજી લંબાવવામાં આવે તે માટે ઘણી રજૂઆત બોર્ડને મળી હતી. આ રજૂઆતનો અભ્યાસ કર્યા બાદ બોર્ડે 31 માર્ચ, 2020 સુધી નિર્ણયને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. 
જુલાઈ 2018માં આવકવેરા વિભાગે ટૅક્સ ઓડિટ ફોર્મ-3સીડીમાં ફેરફાર કરીને જીએસટી તેમ જ જીએએઆરનો સમાવેશ કર્યો હતો. આ ફેરફાર 20 અૉગસ્ટ, 2018માં અમલમાં આવવાના હતા. હિસ્સાધારકોએ ફરિયાદ કરી કે કંપનીઓ ઉપર કાર્ય બોજ વધશે, તેથી સીબીડીટીએ 31 માર્ચ, 2019ની મુદત નક્કી કરી હતી. જોકે આ નિર્ણય 31 માર્ચ, 2020 સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. 
નાંગિયા એડવાઈઝર્સ (એન્ડરસન ગ્લોબલ)ના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ નાંગિયાએ કહ્યું કે, 31 માર્ચ, 2020 પહેલા આ નિર્ણયને ફરજિયાત બનાવતા પહેલા  જીએએઆર સર્ટિફિકેશનનો સમાવેશ નહીં કરવા જેવી યોગ્ય અને વિગતવાર માગદર્શિકા અપેક્ષિત છે. જ્યારે અશોક મહેશ્વરી ઍન્ડ એસોસિયેટ્સ એલએલપીના પાર્ટનર અમિત મહેશ્વરીએ કહ્યું કે, નિર્ણય મુલતવી રાખવાથી ઓડિટર્સને રાહત થશે. 
Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer