સ્થાનિક અને વૈશ્વિક પરિબળોથી શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું

સ્થાનિક અને વૈશ્વિક પરિબળોથી શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું
બીએસઇ મિડકેપ 95 પોઇન્ટ્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 62 પોઇન્ટ્સ ઘટયા 
 
વાણિજ્ય પ્રિતિનિધિ તરફથી
મુંબઇ તા. 15: નબળા કૉર્પોરેટ પરિણામો અને અમેરિકા - ચીન વચ્ચે વેપાર યુદ્ધ ઉગ્ર બનવાની ચિંતાએ આજે શેર બજારમાં અંતિમ કલાકમાં ભારે વેચવાલી નિકળતાં સેન્સેક્ષ અને નિફ્ટી ઘટયા મથાળે બંધ થયા હતા જ્યારે વોલાટિલિટી ઇન્ડેક્સ વધીને 5.4 ટકા થયો હતો. સેન્સેક્ષ 204 પોઇન્ટ્સ અથવા 0.55 ટકા ઘટી 37,115 પોઇન્ટ્સ ઉપર અને નિફ્ટી 65 પોઇન્ટ્સ તુટીને 11,157 પોઇન્ટ્સ ઉપર બંધ આવ્યા હતા. 
સેન્સેક્ષમાં એડીએફસી, તાતા મોટર્સ, ઇન્ડસ ઇન્ડ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક અને યસ બૅન્કમાં ભારે વેચવાલીના કારણે નરમાઇ આવી હતી. બીએસઇમાં મુખ્ય 30 શેર્સમાંથી 25 ઘટયા હતા. જ્યારે નિફ્ટીમાં 1084 શેર્સ ઘટીને બંધ આવ્યા હતા અને 659 શેર્સ વધ્યા હતા. 
ક્ષેત્રીય ધોરણે માત્ર બે ઇન્ડેક્સ વધ્યા હતા જ્યારે બાકીના તમામ ઘટયા હતા. નિફ્ટીમાં મિડિયા ઇન્ડેક્સ 3.74 ટકા અને મેટલ ઇન્ડેક્સ 2.1 ટકા ઘટયા હતા.
બૃહદ બજારમાં બીએસઇ મિડકેપ 95 પોઇન્ટ્સ ઘટી 14,117 પોઇન્ટ્સ ઉપર જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 62 પોઇન્ટ્સ ઘટી 13,782 પોઇન્ટ્સના સ્તરે બંધ આવ્યા હતા.
જેટ એરવેઝના ત્રણ ટૉચના અધિકારીઓના ગઇકાલે આવેલા રાજીનામાના પગલે આજે કંપનીનો શેર વધુ 4.18 ટકા ઘટી  રૂા.123.70ના નીચલા સ્તરે બંધ આવ્યો હતો. બીજી બાજું સરકાર હસ્તક યુનિયન બૅન્ક અૉફ ઇન્ડિયાની માર્ચ આખરે ત્રિમાસિક ખોટ વધીને રૂા.3370 કરોડ થતાં બૅન્કનો શેર ઇન્ટ્રા ડેમાં 10.03 ટકા તુટી રૂા.71.30ના સ્તરે પટકાયો હતો. 
વૈશ્વિક બજારો 
અમેરિકા અને ચીન વચ્ચેનું વેપાર યુદ્ધ કયાં જઇને અટકશે એવી ચિંતાએ એશિયન શેર બજારો આજે સાડા ત્રણ માસની નીચલી સપાટીએ બંધ આવ્યા હતા. જોકે, અમેરિકન શેર બજારોમાં ખરીદી નિકળતાં એશિયન શેર બજારોમાં ધસારાને બ્રેક લાગી હતી. એમએસસીઆઇનો બ્રોડેસ્ટ ઇન્ડેક્સ 0.05 ટકા ઘટયો હતો જ્યારે ઓસ્ટ્રેલિયન શેર બજાર 0.7 ટકા વધ્યા હતા, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.1 ટકા અને જપાનનો નીક્કી 0.4 ટકા ઘટયા હતા. બ્રેન્ટ ક્રુડ ફ્યુચર્સ 41 સેન્ટ ઘટી પ્રતિ બેરલ 70.90 ડૉલર નોંધાયો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer