એનએસઈ કો-લોકેશન કેસ

એનએસઈ કો-લોકેશન કેસ
ચીત્રા રામકૃષ્ણને પણ ટ્રિબ્યુનલ રાહત આપે તેવી શક્યતા

મુંબઈ, તા.15 : બજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)ની નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) કો-લોકેશન કેસમાં તપાસમાં જે મુખ્ય લોકોને શંકાસ્પદ ગણાવ્યા તે દરેકને એક પછી એક સિક્યુરિટી એપેલેટ ટ્રિબ્યુનલ (સેટ) વચગાળાની રાહત આપી રહી છે. એનએસઈના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ રવિ નારાયણને સેટએ તાજેતરમાં જ રાહત આપી છે. 
સૂત્રોએ કહ્યું કે, કો-લોકેશન કેસમાં સેબીના ગેરવાજબી રીતે પાછા ખેંચેલા રૂા.1000 કરોડ પાછા આપવાના આદેશ વિરુદ્ધ એનએસઈએ અરજી કરી છે, જેની સુનાવણી આગામી દિવસોમાં સેટમાં થશે. નારાયણને નાણાકીય વર્ષ 2011-2013 દરમિયાનનો તેમના પગારની 25 ટકા રકમ ડિપોઝીટ કરવા માટે જણાવ્યું હતું. તેમના એમડી અને સીઈઓ પદના કાર્યકાળમાં તેમણે આચારસંહિતાનું ઉલ્લંઘન કરતાં કો-લોકેશન કૌભાંડ થયું હોવાનું જણાય છે. સેબીએ નારાયણને બજાર અને કોઈ પણ કંપની સાથે બે વર્ષ સુધી નહીં જોડાવવાનો આદેશ આપ્યો હતો. 
જોકે નારાયણ ઉપરના સ્ટે પછી એનએસઈમાં વર્ષ 2013 થી 2017 દરમિયાનના એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણને પણ સ્ટે મળી શકે છે, એમ આ કેસમાં જોડાયેલા વકીલોએ કહ્યું હતું. 
ગયા અઠવાડિયે સેટે બિઝનેસ ડેવલપમેન્ટના હેડ રવિ વારાણસી અને નાગેન્દ્ર કુમાર અને એનએસઈના કો-લોકેશન સપોર્ટના હેડ દેવીપ્રસાદ સિંઘને પણ વચગાળાનો સ્ટે આપ્યો હતો. સેબીનું કહેવુ હતું કે, આ ત્રણ વેટુવેલ્થ બ્રોકર્સ અને જેકેએન સિક્યુરિટીઝ સ્ટોક બ્રોકર સાથે મળીને ખોટી રીતે લાભ મેળવ્યો હતો. 
જોકે સેટે ઈન્ફોટેક ફાઈનાન્સિયલ, અજય શાહ, કંપનીના બે ડિરેક્ટર સુનિતા થોમસ અને કૃષ્ણા ડગલી  તેમ જ એનએસઈના વરિષ્ઠ અધિકારી સુપ્રભાત લાલાને પણ વચગાળાનો સ્ટે આપ્યો છે. આ દરેક ઉપર સેબીએ પીએફયુટીપી નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ મૂક્યો હતો. 
સેબીએ કહ્યું હતું કે, સરકારના થિન્ક-ટૅન્ક નેશનલ ઈન્સ્ટિટયૂટ અૉફ પબ્લિક ફાઈનાન્સ ઍન્ડ પોલિસીના સિનિયર એકેડમીક શાહે તેમની પત્ની અને સાળી સાથે મળીને એનએસઈના માર્કેટ ડેટાનો ખોટી રીતે ઉપયોગ કરીને લાભ મેળવ્યો છે. આ સામે સેટે વર્ષ 2009થી તપાસ કરી હતી અને જણાયું કે છેલ્લાં 10 વર્ષમાં તેમના વિરુદ્ધ એકેય ફરિયાદ નથી. તેથી તેમની તરફેણમાં આદેશ આપ્યો હતો. 
ત્રણ બ્રોકરેજ કંપનીઓ જેમણે એનએસઈ પ્રણાલીમાં ખોટી રીતે એક્સેસ મેળવ્યો તેમને પણ સેટે વચગાળાની રાહત આપી છે. આ ત્રણ બ્રોકર્સમાં- ઓપીજી સિક્યુરિટીઝ, વેટુવેલ્થ બ્રોકર્સ અને જેકેએન સિક્યુરિટીઝનો સમાવેશ છે, જેમણે 20મે સુધીમાં મેળવેલા ગેરલાભની 50 ટકા ડિપોઝીટ કરવાની છે.
Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer