પહેલી વખત મિસાઈલ નિકાસ કરશે ભારત

દક્ષિણ પૂર્વ એશિયા અને ખાડી દેશોએ બતાવી મિસાઈલ ખરીદવાની તૈયારી

સિંગાપોર, તા. 15: ભારત અત્યારસુધી હથિયારોની ખરીદી જ કરતું આવ્યું છે પરંતુ હવે તેનાથી ઉલટ હથિયારો વેંચવાની પણ તૈયારી શરૂ કરવામાં આવી છે. ભારત તરફથી દક્ષિણ પૂર્વ એશિયન દેશ અને ખાડી દેશોને મિસાઈલની પહેલી ખેપની નિકાસ ચાલુ વર્ષે જ કરવામાં આવશે. એક શિર્ષ ડિફેન્સ અધિકારીના કહેવા પ્રમાણે દક્ષિણ પૂર્વ એશિયા અને ખાડી દેશો તરફથી મિસાઈલની ખરીદી કરવામાં રસ દાખવવામાં આવ્યા બાદ તેઓને નિકાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 
ઇમડેક્સ એશિયા-2019 એક્ઝિબિશનને સંબોધિત કરતા બ્રહ્મોસ એરોસ્પેસના એચઆર કોમોડોર એસકે અય્યરે કહ્યું હતું કે, સરકારો વચ્ચે કરાર બાદ પહેલી વખત મિસાઈલ નિકાસ કરવામાં આવશે. એવા ઘણા દક્ષિણ પૂર્વ એશિયન દેશ છે જેઓ ભારતીય મિસાઈલ ખરીદવા માટે તત્પર છે. એક્ઝિબિશન દરમિયાન અય્યરે કહ્યું હતું કે, ચાલુ વર્ષે જ પહેલી વખત મિસાઈલ નિકાસ કરવામાં આવશે. આ સાથે ખાડીના દેશો પણ મિસાઈલ ખરીદવા અંગે રસ બતાવી રહ્યા છે. ભારતીય ડિફેન્સ સેક્ટર સમક્ષ દક્ષિણ પૂર્વ એશિયા અને ખાડી દેશમાં હથિયારના નિકાસના સારા અવસર સામે આવી રહ્યા છે. આ દરમિયાન ભારત-રશિયા જોઇન્ટ વેન્ચર બ્રહ્મોસ અને ડિફેન્સ કંપની લાર્સન એન્ડ ટર્બોએ ઇમડેક્સ એક્ઝિબિશનમાં દક્ષિણ પૂર્વ એશિયન બજાર માટે અલગ અલગ રક્ષા ઉપકરણો રજૂ કર્યા હતા. 
Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer