એમએમઆરડીએનો અજબ કારભાર

મેટ્રો-6નું કામ છ મહિના પહેલાં શરૂ થયું અને હવે મગાવવામાં આવ્યા નાગરિકોના વાંધાવચકા !

મુંબઈ, તા. 15 : કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં સ્થાનિક નાગરિકોના મંતવ્ય જાણવામાં આવતા હોય છે. આમ છતાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)નો કારભાર કંઈક અજબ હોય તેવું 
ભાસે છે.
મેટ્રો-6 પ્રોજેક્ટનું કામ એમએમઆરડીએએ છ મહિના પૂર્વે શરૂ કર્યું હતું અને છેક હવે નાગરિકોના સૂચનો માગી રહ્યું છે.
પ્રોજેક્ટ માટે ખોદકામ શરૂ થઈ ગયું, વૃક્ષો કપાઈ ગયાં અને પછી નાગરિકો પાસેથી સૂચનો મગાવાયા એ મુદ્દે નાગરિકો અને પર્યાવરણવાદીઓમાં તીવ્ર નારાજગી ફેલાઈ છે. સ્થાનિકોના સૂચનો પર હવે અમલ બજવણી થશે કે નહીં એવો સવાલ પણ પુછાઈ રહ્યો છે.
મેટ્રો-6 પ્રોજેક્ટ ઈસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે પરથી લોખંડવાલાથી વિક્રોલી સુધી બાંધવામાં આવશે.
એમએમઆરડીએ દ્વારા ગત રવિવારે આ સંદર્ભમાં એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેમાં નાગરિકો પાસેથી વાંધા-વચકા મગાવાયા હતા. જોકે, પ્રોજેક્ટ શરૂ થયા પહેલા આ પ્રોજેક્ટ અંડરગ્રાઉન્ડ કરવાની માગણી સ્થાનિકોએ કરી હતી. જોકે એની કોઈ નોંધ નહીં લઈને એમએમઆરડીએ જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ અને પવઈ ખાતે ગત ડિસેમ્બરમાં કામની શરૂઆત પણ કરી દીધી હતી. આથી હવે વાંધાવચકા મગાવવાનો શો ફાયદો? એવો પ્રશ્ન નાગરિકો પૂછી રહ્યા છે.
આગામી 21 મેના રોજ નાગરિકોના વાંધાવચકા નોંધાવવા એમએમઆરડીએ એક બેઠક બોલાવી છે. નાગરિકો ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ, પર્યાવરણપ્રેમીઓ વગેરેને પણ આ બેઠકમાં હાજર રહેવાનું જણાવાયું છે.
આ અંગે પર્યાવરણવાદી ઝોરુ બથેનાએ એવો આક્ષેપ કર્યો હતો કે આ પ્રોજેક્ટ માટે પર્યાવરણપ્રેમીઓ પાસેથી સૂચનો મગાવાયા છે, પરંતુ આ પહેલા વિવિધ મેટ્રો પ્રોજેક્ટો માટે હજારો વૃક્ષો કાપી નાખનારા એમએમઆરડીએને પર્યાવરણની કોઈ જ ચિંતા હોય એમ જણાતું નથી. આ અગાઉ મેટ્રો માટે મૂળ સહિત ઉખેડીને અન્યત્ર પુન:રોપિત કરાયેલા વૃક્ષોમાંથી 50 ટકા વૃક્ષો જીવંત થયા જ નહીં અને પુન:રોપણની નવી ટેક્નિક વાપરવાની ઘોષણા કરવામાં આવી, પણ તેનો અમલ થયો નથી એવો આક્ષેપ પણ બથેનાએ કર્યો હતો.
Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer