ઈરાન સાથે તનાવ વચ્ચે અમેરિકાએ ઈરાકથી અધિકારીઓને પરત બોલાવ્યા

ટ્રમ્પ પ્રશાસને ઈરાન સાથે યુદ્ધની તૈયારીના અહેવાલો ફગાવ્યા

વોશિંગ્ટન, તા. 15 : અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તનાવને ધ્યાને લઈને યુદ્ધ જેવી સ્થિતિના સંકેત જોવા મળી રહ્યા છે. સાઉદીના બે ઓઈલ ટેન્કર ઉપર યુએઈના તટે થયેલા હુમલા બાદ બન્ને દેશો વચ્ચેનો તનાવ ચરમસિમાએ પહોંચ્યો છે. જો કે ઈરાને ટેન્કર ઉપર હુમલામાં હાથ હોવાની વાતને નકારી હતી. આ દરમિયાન પશ્ચિમી એશિયામાં પોતાની સ્થિજ્ઞત મજબુત કરવા અને કોઈપણ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારી અમેરિકાએ શરૂ કરી છે. જેના અંતર્ગત અમેરિકાએ ઈરાકમાં રહેલા અધિકારીઓને પાછા બોલાવી લીધા છે. જો કે યુદ્ધની તૈયારીના અહેવાલોને ફગાવવામાં આવ્યા છે. 
એક તરફ ઈરાકમાં રહેલા ગેરઆપાતકાલિન અમેરિકી અધિકારીઓને પરત ફરવાનો આદેશ જારી થયો છે. તો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે યુદ્ધની તૈયારી ચાલી રહી હોવાના એક અખબારના અહેવાલને ફગાવ્યો છે.  અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, અમેરિકાના શિર્ષ સુરક્ષા અધિકારીઓ ઈરાનનો મુકાબલો કરવા માટે મધ્ય પૂર્વમાં અંદાજીત 1.20 લાખ સૈનિકો મોકલવાની યોજના ઉપર વિચારણા કરી રહ્યા છે.  
અમેરિકાએ પોતાના યુદ્ધપોત યૂએસએસ આરલિંગટન અને યૂએસએસ અબ્રાહમ લિંકનને પશ્ચિમી એશિયા ક્ષેત્રમાં તૈનાત કર્યા છે. આ ઉપરાંત અમેરિકાએ પેટ્રિયટ મિસાઈલ પણ તૈનાત કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  ડોનાલ્ડ ટ્રમ્પે ઓબામા પ્રશાસનના સમયમાં ઈરાન સાથે થયેલી ન્યૂક્લિયર ડીલ રદ કરતા ઈરાન ઉપર આકરા પ્રતિબંધો ફરીથી લાગુ થયા હતા. જેને લઈને બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં તનાવ આવ્યો હતો. આ દરમિયાન ઈરાનને વધુ એક ઝટકો આપતા ચીન અને ભારત સહિતના દેશોને ઈરાનથી ક્રૂડ ખરીદવાની છૂટને પણ રદ કરી હતી.
Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer