વસઈ-વિરાર વચ્ચે હવે ફક્ત 20 મિનિટનું અંતર

350 કરોડ રૂપિયાના ખર્ચે બન્ને નગરને 7 નવા પુલથી જોડાશે

મુંબઈ, તા. 15 : વસઈ-વિરાર શહેરને જોડતા સાત નવા પુલ તાત્કાલિક બાંધવામાં આવશે. આ પુલ બની ગયા બાદ વસઈથી વિરાર વચ્ચેનું અંતર 20 મિનિટમાં કપાઈ જશે. આ પુલનું કામ શરૂ થતા જ નાગરિકોને રાહત મળશે. 
વસઈ-વિરાર શહેરમાં વિકાસની હવા ચાલી રહી છે ત્યારે શહેરમાં સતત કઈક નવુ બાંધકામ ચાલી રહ્યું છે. શહેરમાં ટ્રાફિક સૌથી મોટી સમસ્યા હોવાથી તેનો ઉકેલ લાવવો જરૂરી છે. તે માટે પાલિકા તરફથી શહેરમાં સાત નવા પુલ બાંધવામાં આવશે. કોપરી, નારંગી, વિરાટ નગર, ઓસ્વાલ નગરી, અલકાપુરી, ઉમેળમાર, નાયગાવ એમ સાત જગ્યાએ પુલ બાંધવામાં આવશે. આમંથી કેટલાક પુલનું કામ શરૂ પણ થઈ ગયું છે. પ્રત્યેક પુલનો ખર્ચ 50 કરોડ હોવાથી સાત પુલ બનાવવા 350 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 
નવા પુલ શહેરના ભાગોને જોડતા હોય તે રીતે બનાવવામાં આવશે અને શહેરના રિંગરૂટ પ્રમાણે પુલનું કામ કરવામાં આવશે. વિરાર-વસઈના શહેરી વિસ્તારમાં વાહનોની અવરજવર વધુ હોવાથી ટ્રાફિક જામ મોટા પ્રમાણમાં થાય છે, પરંતુ આ પુલ બાંધ્યા પછી વસઈથી વિરાર વચ્ચેનું અંતર 20 થી 25 મિનિટમાં કાપી શકાશે. નાયગાવ પુલનું બાંધકામ શરૂ થઈ ગયુ છે અને 50 ટકા કામ પુર્ણ પણ થઈ ગયુ છે, પરંતુ મૅગાબ્લોકને કારણે કામમાં અડચણ આવે છે. નારંગી પુલ તૈયાર થયા બાદ ભારે વાહનો તેના પરથી અવરજવર કરી શકશે, પછી નારંગી ફાટક બંધ થઈ જશે. આ પુલનું બાંધકામ પાલિકાની હદમાં હોવા છતા એમએમઆરડીએ તેનું કામ કરી રહી છે. શહેરની બધી જ મોટી યોજના એમએમઆરડીએ દ્વારા પાર પાડવામાં આવતી હોવાથી પાલિકા તરફથી તેમની પાસે કામ કરાવવાની માગણી કરવામાં આવી છે.  પાલિકાના એક્ઝિક્યુટીવ એન્જિનિઅર રાજેન્દ્ર લાડે કહ્યું હતું કે, અમે એમએમઆરડીએ સમક્ષ પુલ બાંધવાનો પ્રસ્તાવ મુક્યો છે. યોગ્ય યોજના બનાવી હોવાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળવાની પુરેપુરી આશા છે. બીજા પુલોનું કામ પ્રાથમિક સ્તરે ચાલુ હોવાથી જલ્દી ટેન્ડર બહાર પાડીને કામ શરૂ કરવામાં આવશે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer