પશ્ચિમ બંગાળમાં હિંસા મામલે ચૂંટણી પંચે આળસ મરડી

ચૂંટણી પ્રચાર એક દિવસ વહેલો બંધ

ગૃહ સચિવની હકાલપટ્ટી, એડીજી (સીઆઈડી) રાજીવ કુમારની બદલી

કોલકાતા, તા. 15: પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસા અને વિદ્યાસાગરની પ્રતિમા તોડવાના વિવાદમાં ભાજપ અને ટીએમસીની સામસામી આક્ષેપબાજી વચ્ચે ચૂંટણી પંચ હરકતમાં આવ્યું હતું અને પશ્ચિમ બંગાળની પરિસ્થિતિને ધ્યાને લઈને વિશેષ અધિકારોનો ઉપયોગ કરતા નવ બેઠકો માટે એક દિવસ અગાઉ ચૂંટણી પ્રચાર રોક્યો છે. આ ઉપરાંત પ્રધાન સચિવ (ગૃહ) આઈએએસ અત્રી ભટ્ટાચારની હકાલપટ્ટી કરવામાં આવી હતી અને એડીજી (સીઆઈડી) રાજીવ કુમારની ગૃહ મંત્રાલયમાં બદલી કરી દેવામાં આવી હતી. વધુમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે, હજી પણ પરિસ્થિતિ નહી બદલાય તો વધુ કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ અમિત શાહની રેલી સમયે થયેલી હિંસા મામલે બન્ને પક્ષો તરફથી સામસામા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેમાં  ભાજપ તરફથી કહેવામાં આવ્યું હતું કે,  બંગાળમાં મમતા બેનરજી ગુંડાગીરી ચલાવી રહ્યાં છે અને ટીએમસીના ગુંડાઓએ સહાનુભૂતિ મેળવવા માટે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી છે. તો બીજી તરફ ટીએમસી દ્વારા ભાજપ ઉપર પ્રતિમા તોડવાનો આરોપ ઘડવામાં આવ્યો હતો તેમજ હિંસા માટે ભાજપે બહારથી લોકો અને પૈસા મગાવ્યા હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે મોડી સાંજે મમતા બેનરજીએ હિંસાના વિરોધમાં રેલી કરી હતી. 
અનુચ્છેદ 324 હેઠળ ચૂંટણી પંચની કાર્યવાહી 
આર્ટિકલ 324 હેઠળ ચૂંટણી પંચ એવા કોઈપણ મામલામાં દરમિયાનગીરી કરી શકે છે જેમાં કોઈપણ પ્રકારની ગરબડ કે અસ્પષ્ટતા દેખાઈ રહી હોય. આ અનુચ્છેદ હેઠળ ચૂંટણી પંચને સ્વતંત્ર અને નિર્વિવાદ ચૂંટણી કરાવવા માટે અમુક શક્તિ આપવામાં આવી છે. જેના હેઠળ પ્રશાસનના અધિકારીઓની તૈનાતી-હકાલપટ્ટી, પ્રચારના સમયગાળાની મર્યાદા નક્કી કરવી સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો ચૂંટણી પંચ લઈ શકે છે. 
Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer