બંગાળની હાલત કાશ્મીરથી પણ ખરાબ : મોદી

બંગાળની હાલત કાશ્મીરથી પણ ખરાબ : મોદી
આનંદ કે. વ્યાસ તરફથી
કોલકાતા/નવી દિલ્હી, તા. 15: કાશ્મીર હિંસા અને આતંકવાદ માટે જાણીતું બન્યું છે. કાશ્મીરમાં પંચાયતી ચૂંટણી થઈ પણ તેમાં હિંસાની એકપણ ઘટના બની નહોતી. આ જ સમયે પશ્ચિમ બંગાળમાં પંચાયતી ચૂંટણી થઈ અને તેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા. જે નેતા જીત્યા હતા તેમનાં ઘર સળગાવી દેવામાં આવ્યાં અને પાડોશી રાજ્યોમાં છુપાઈને રહેવું પડયું હતું. તેઓનો અપરાધ હતો કે તેઓએ ચૂંટણીમાં જીત મેળવી હતી. આ સમયે લોકતંત્રની વાત કરનારા અને પોતાને તટસ્થ કહેનારા લોકો ચૂપ હતા. મમતા બેનરજીને ભાજપ, ડાબેરી કે કોંગ્રેસની નહીં પણ બંગાળની જનતાની બીક છે. ચૂંટણી પહેલા ભાજપના નેતાઓની રેલીઓ રદ્દ કરવામાં આવી. રાજ્યમાં હેલિકોપ્ટર ઉતરવા ન દીધા, વડાપ્રધાનની સભા રદ્દ કરવામાં આવી. અમિત શાહની સભા રદ્દ થઈ. આ સમગ્ર બાબતો અલોકતાંત્રિત છે. મમતાને ભય છે કે જનતા ઉભી થશે તો ભવિષ્ય અંધકારમય બની જશે.  
બગદાદીથી પ્રરિત થઈને બગદીદી બનવા માગે છે મમતા : યોગી
ભાજપથી ભયભીત મમતા બેનરજી સભાઓમાં મંચ તોડીને, મજૂરોને મારીને, રેલી રદ્દ કરાવીને બંગાળને શું બનાવવા માગે છે ? યાદ રાખવું બંગાળ ભારતનું અભિન્ન અંગ છે, બગદાદીથી પ્રેરિત થઈને બગદીદી બનવાનું તમારું સપનું ભારત માતાના સાચા સપૂત મત આપીને તોડીને રહેશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહની રેલીમાં જે કંઈ થયું તેનાથી બંગાળમાં ટીએમસીની એક્સપાયરી ડેટ લખાઈ ગઈ છે. 
ટીએમસીએ કહ્યું, ભાજપે તોડી વિદ્યાસાગરની પ્રતિમા : રજૂ કર્યો વીડિયો ટીએમસીના નેતા ડેરેક ઓ`બ્રાયને કોલકાતામાં હિંસા મામલે પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં કથિત રૂપે ભાજપના સમર્થકોએ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી હોવાનો પુરાવો આપતો એક વીડિયો તેમની પાસે હોવાનો દાવો કર્યો હતો તેમજ આ પુરાવો ચૂંટણી પંચ સમક્ષ આપવાની વાત કરી હતી. આ વીડિયોમાં અમુક લોકો દિવાલ કુદીને કોલેજમાં ઘૂસતા જોવા મળે છે. ડેરેક ઓ'બ્રાયને વીડિયો જારી કરીને અમિત શાહને જુઠ્ઠા ઠેરવ્યા હતા, કારણ કે અમિત શાહે આરોપ મુક્યો હતો કે ટીએમસીના ગુંડાઓએ હિંસા બાદ સહાનુભૂતિ મેળવાવા માટે પ્રતિમા તોડી હતી. વધુમાં ડેરેક ઓ'બ્રાયને આરોપ મુક્યો હતો કે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય સુરક્ષા દળો ભાજપ માટે કામ કરી રહ્યા છે અને લોકો સમક્ષ ભાજપ માટે મત માગી રહ્યા છે.
Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer