મોડાં ચોમાસાની સત્તાવાર આગાહી, છ જૂને કેરળનો કાંઠો ભીંજાશે

મોડાં ચોમાસાની સત્તાવાર આગાહી, છ જૂને કેરળનો કાંઠો ભીંજાશે
આમ તો સામાન્ય પરંતુ તેથી નીચું રહેવાનો પણ હવામાન તંત્રનો સંકેત

નવી દિલ્હી, તા. 15 : દેશમાં આ વખતે ચોમાસું ચાર દિવસ મોડું પડવાના વર્તારા સાથે ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે બુધવારે કહ્યું હતું કે, વરસાદી મોસમ છ જૂનના કેરળનો કાંઠો ભીંજવશે. આમ તો ચોમાસું `સામાન્ય' રહી શકે છે, પરંતુ હવામાન તંત્ર તરફથી `સામાન્ય કરતાં નીચું' રહેવાની મહત્ત્વપૂર્ણ શક્યતા તરફ પણ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે કેરળમાં ચોમાસું પહેલી જૂને બેસી જાય છે, જે દેશમાં ચોમાસાના પ્રારંભ સાથે ઉનાળાના તીવ્ર તાપમાંથી રાહતની શરૂઆત ગણાય છે. હવામાનની પરિસ્થિતિઓ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ અંદામાન-નિકોબાર ટાપુ અને નજીકની બંગાળની ખાડી તરફ 18-19 મે દરમ્યાન આગળ વધવા માટે સાનુકૂળ છે, તેવું હવામાન વિભાગે આજે જણાવ્યું હતું.સામાન્યત: ચોમાસું અંદામાન પહોંચે તેના 10 દિવસમાં કેરળનો કાંઠો ભીંજવતું હોય છે. જો કે,  મોસમ વિજ્ઞાનીઓએ એવો સંકેત આપ્યો છે કે, કેરળ પહોંચ્યા પછી ચોમાસું મંદગતિએ આગળ વધશે.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં ન્યૂનતમ તાપમાન દક્ષિણ દ્વીપકલ્પમાં પ્રી-મોન્સૂન વરસાદ જેવા કુલ્લ છ માપદંડોનો ઉપયોગ કરીને હવામાન તંત્રએ 2005ના વર્ષથી ચોમાસું  ભારતમાં બેસવાની આગાહી શરૂ કરી હતી.
આ વખતે ચોમાસું મોડું બેસે તો તે 2014 પછી ત્રીજી વાર થશે. 2014માં ચોમાસું પાંચ જૂને બેઠું હતું. ત્યારબાદ 2015માં છ અને 2016માં 8 જૂને કેરળનો કાંઠો ભીંજાયો હતો.
Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer