કોલકાતામાં હિંસા મામલે ભાજપ - ટીએમસી સામસામે

કોલકાતામાં હિંસા મામલે ભાજપ - ટીએમસી સામસામે
વિદ્યાસાગરની પ્રતિમા મામલે ટીએમસીએ જારી કર્યો વીડિયો : ભાજપે કહ્યું, ટીએમસીએ સહાનુભુતિ મેળવવા પ્રતિમા તોડી

આનંદ કે. વ્યાસ તરફથી
કોલકાતા/નવી દિલ્હી, તા. 15: પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચેનો વિવાદ ચરમસિમાએ પહોંચ્યો છે અને અમિત શાહની રેલી સમયે થયેલી હિંસા મામલે બન્ને પક્ષો તરફથી સામસામા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે બંગાળમાં મમતા બેનરજી ગુંડાગીરી ચલાવી રહ્યાં છે અને ટીએમસીના ગુંડાઓએ સહાનુભૂતિ મેળવવા માટે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી છે. તો બીજી તરફ ટીએમસી દ્વારા ભાજપ ઉપર પ્રતિમા તોડવાનો આરોપ ઘડવામાં આવ્યો છે તેમજ હિંસા માટે ભાજપે બહારથી લોકો અને પૈસા મગાવ્યા હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. 
હિંસા ભડકાવવા ભાજપે બહારથી ગુંડા અને રૂપિયા મગાવ્યા : મમતા
અમિત શાહના રોડ શો દરમિયાન પથ્થરબાજી અને હિંસા મામલે બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ આરોપ મુક્યો હતો કે, ભાજપે ચૂંટણી પંચનાં નામે રાજ્યના પ્રશાસન ઉપર કબ્જો કર્યો છે. કોલકાતા અને બિદ્યાનગરના પોલીસ કમિશનરને બદલીને પોતાના લોકો બેસાડયા છે. જો મારા પોલીસ કમિશનર તૈનાત હોત તો ભાજપને કરોડો રૂપિયાની તસ્કરી કરતા રોકવા સક્ષમ હતા. ભાજપ પોતાના પક્ષમાં મત માટે કેન્દ્રીય દળોનો ઉપયોગ કરે છે. જેના ઉપર પોલીસ કેસ છે તેવા ભાજપના નેતાઓ બ્લેક કેટ કમાન્ડો લઈને ભાજપ કાર્યકરોને રૂપિયા પહોંચાડી રહ્યા છે. આવી પરિસ્થિતિ અગાઉ ક્યારેય જોવા મળી નથી. આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાવવા કહેવામાં આવ્યું છે. વધુમાં બંગાળમાં હિંસા ભડકાવવા માટે ભાજપ બહારથી માણસો અને રૂપિયા લાવી રહ્યો છે. આ તો ભાજપના ગુંડાઓના નસીબ સારા છે કે હું શાંત બેઠી છું.  
Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer