ટ્વિટર પરથી એક્ઝિટ પોલની તમામ પોસ્ટ હટશે

નવી દિલ્હી, તા. 16 : ચૂંટણી પંચે ટ્વિટરમાંથી એક્ઝિટ પોલ અંગેની તમામ ટ્વિટ હટાવવાના આદેશ આપ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચને આ સંબંધે કેટલીક ફરિયાદો મળી હતી. જે બાદ પંચે આ આદેશ આપ્યો હતો. ફરિયાદ કોના તરફથી મળી હતી તે અંગે કોઈ માહિતી આપવામાં આવી  ન હતી. 
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, `ચૂંટણી પંચ તરફથી કોઈ આદેશ જાહેર નથી કરાયો. અમારી સામે માત્ર એક મામલો આવ્યો હતો જેને યુઝરે જ હટાવી દીધો હતો.' તેના એક દિવસ પહેલાં 3 મીડિયા હાઉસને કારણ જણાવો નોટિસ ઈશ્યૂ કરવામાં આવી હતી.
આરોપ હતો કે આ મીડિયા હાઉસે લોકસભા ચૂંટણીનાં અનુમાનિત પરિણામોને લઈને એક સર્વેને પ્રકાશિત કર્યો હતો. 
આ છે નિયમ: રિપ્રેઝેન્ટેશન અૉફ ધ પીપલ્સ ઍક્ટની ધારા 126 એ મુજબ - કોઈ પણ વ્યક્તિ ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારના એક્ઝિટ પોલને પ્રિન્ટ કે ઈલેકટ્રોનિક મીડિયા પ્રકાશિત કે તેનો પ્રચાર ન કરી શકે. ચૂંટણીનો સમય પહેલાં દિવસના વાટિંગથી શરૂ થઈને અંતિમ દિવસના મતદાનના અડધા કલાક સુધી માનવામાં આવે છે.
આ દરમિયાન કોઈ પણ પ્રકારના એક્ઝિટ પોલને પ્રકાશનની મંજૂરી નથી હોતી.  
જો કોઈ વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરે છે તો તેને 2 વર્ષ સુધી જેલ જવું પડી શકે છે, સાથે જ દંડ કે જેલ બંને કે બેમાંથી એક સજા મળી શકે છે. લોકસભાની ચૂંટણીનો અંતિમ તબક્કો 19 મેના રોજ યોજાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer