GST : આવી રહી છે એક જ ફૉર્મ ભરવાની પ્રક્રિયા

નવી દિલ્હી, તા. 16 : છેવટે કેન્દ્રનું નાણાં મંત્રાલય, ગુડઝ એન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) માટે સિંગલ મંથલી રિટર્ન સિસ્ટમ લઈને આવ્યું છે. જેનાથી રિટર્ન ભરવાની પ્રક્રિયા તેમ જ ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ મેળવવાનું સરળ થઈ જશે. આ ત્રણ તબક્કાની યોજનાની જાહેરાત ગત મે માસમાં મલ્ટીપલ રિટર્ન્સ ફાઈલ કરવામાં મુશ્કેલીઓ અંગે આવેલી ફરિયાદોને સંબોધવા માટે કરવામાં આવી હતી.
યોજના અનુસાર ટ્રાન્ઝિશન ફેઝમાં વેપારધંધાઓ માટે છ મહિના, બે રિટર્ન જીએસટીઆર-1 (સેલ્સ માટે) અને સંક્ષિપ્ત રિટર્ન ફૉર્મ જીએસટીઆર-3બી ભરવાનું ચાલુ રખાશે. છ મહિના બાદ તે નવા દાખલ કરાનાર ફૉર્મમાં સિંગલમાં ભરવામાં આવશે.
ગ્રાહકલક્ષી ધંધાઓ માટે, સરળ કરાયેલું ફૉર્મ કુલ વેચાણ અંગેનું રહેશે જ્યારે ધંધાર્થીઓ માટેના ફૉર્મમાં ઈન્વોઈસની વિગતોને સમાવી લેવાશે. જીએસટી નેટવર્ક (જીએસટીએન) આ માટે તૈયાર કરાતું હોવાથી આ પગલું લેવામાં વિલંબ થયો હતો.
હવે સરકારી અધિકારીઓ સરળ બનાવાયેલા ફૉર્મ સાથે આ બાબતથી સીધા જ પરિચિત થશે અને જુલાઈ સુધીમાં (નવી સરકાર રચાયા બાદ તુરંત) આ યોજનાને લોન્ચ કરવામાં આવશે.
તેમાં કોઈ વધુ ક્લીયરન્સીસની જરૂરત નહીં પડે કેમ કે જીએસટી કાઉન્સિલે ગત મેમાં ત્રણ ફેઝના પ્લાનને પહેલાં જ મંજૂરી  આપી છે.
ત્રીજા ફેઝમાં ઈન્વોઈસ મેચિંગનો સમાવેશ હશે. નવા ફૉર્મ દાખલ કરાવાથી 24 જીએસટી રિટર્ન ભરવાનો વેપારીઓનો વાર્ષિક બોજો ઘટીને ફક્ત 12 
થઈ જશે. તદુપરાંત સંપૂર્ણ નાણાકીય વર્ષ માટે એક જ રિટર્ન ભરવાનું રહેશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
ટેક્નિકલ રીતે તેમણે 36 ફૉર્મ ભરવાં પડતાં હતાં, પરંતુ મોટા ભાગના લોકો બીજું ફૉર્મ જીએસટીઆર-2 ભરતા ન હતા. જુલાઈથી બીજા ફેઝનો ટ્રાયલ રન શરૂ થશે. આ વિરોધનું એક મુખ્ય કારણ હતું. કૉંગ્રેસ પક્ષે નવા ટૅક્સ માળખાની ઉગ્ર ટીકા કરી હતી.
નવી રિટર્ન યંત્રણા ઉદ્યોગોને એક કરતાં વધુ વખત ફાઈલિંગ નિવારવામાં મદદરૂપ થશે કેમ કે સિંગલ મંથલી રિટર્ન ભરવાનું રહેશે, એમ પીડબ્લ્યુસીના ભાગીદાર પ્રતીક જૈને  જણાવ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer