1લી જૂને મ્હાડાની દુકાનોનો ડ્રો

મુંબઈ, તા. 16 : છેલ્લાં 9 વર્ષથી રખડી પડેલી મ્હાડાની મુંબઈ અને કોકણની 274 દુકાનોનો ડ્રો આખરે 1 જૂને થશે. તે માટે અૉનલાઈન અરજી કરવાની મુદત 27 મે છે. આ દુકાનો માટે ઈ-ટેન્ડરની જાહેરાત 30 માર્ચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. 
આ ડ્રો ની બોલી 29 મે થી 31 મે બપોરે બે વાગ્યા સુધી અૉનલાઈન ખૂલશે. 
મ્હાડા તરફથી ઉપલબ્ધ કરવામાં આવતી દુકાનો માટે સ્વતંત્ર ડ્રો કરવામાં આવે છે. તેની જાહેરાત મુજબ નોંધણી, અૉનલાઈન અરજી કરવી, દસ્તાવેજો ડાઉનલોડ કરવા જેવી ટૅક્નિકલ બાબતો માટે 27 મે સુધીની મુદત છે. મ્હાડાએ આ પહેલાં 2010માં 168 દુકાનોના વેચાણની જાહેરાત આપી હતી. ત્યાર બાદ નવેસરથી દુકાનોનો 
ડ્રો કરવા માટે 9 વર્ષનો સમય લાગ્યો છે. ડ્રોમાં જે વધારે બોલી લગાડશે તેને દુકાનનો તાબો આપવામાં આવશે. 
મ્હાડાના નિયમો મુજબ જાહેરાતમાં આપેલી દુકાનની કિંમતના એક ટકા રકમ અરજદારે અનામત રકમ તરીકે ભરવી પડશે. ડ્રો માં સાયન-પ્રતીક્ષાનગરમાં 35 દુકાનો, મલાડ-માલવણીમાં 69, ગવ્હણપાડા-મુલુંડ, વિનોબા ભાવેનગર કુર્લા, ગોરેગાવમાં દુકાનો છે. કોકણમાં વિરાર-બોળીંજ, વેંગુર્લેમાં દુકાન છે. ડ્રો ના વિજેતાઓએ પાલિકાના આરક્ષણ પ્રમાણે દુકાનનો વપરાશ કરવો જરૂરી છે.

Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer