IPL : એક જ ટિપથી બુકીએ કરી રૂા. 65 કરોડની કમાણી

IPL  : એક જ ટિપથી બુકીએ કરી રૂા. 65 કરોડની કમાણી
મુંબઈ, તા. 16 : ક્રિકેટમાં સટ્ટાગીરી અટકાવવા પોલીસના અનેક પ્રયાસો છતાં આ કાળો વેપાર વણથંભ્યો ચાલુ જ રહ્યો છે. આઈપીએલમાં સટ્ટોડિયાઓ પ્રત્યેક મેચના ભાવ પર સટ્ટો રમ્યા પણ દુબઈ બેઠેલા એક બુકીએ ટિપ્સ આપીને રૂા. 65 કરોડથી વધુ કમાઈ લીધા છે. આ બુકી વેબસાઈટ પણ ચલાવે છે.

ગઈ 23 માર્ચના આઈપીએલ શરૂ થઈ, જોકે, તે પહેલાં પૂરી દુનિયામાંના પંટરોએ ટિપ્સ માટે ટેલિગ્રામ એપથી તેનો સંપર્ક કર્યો હતો. તેને બધાને રૂા. 65-65000ના હિસાબથી તેણે દાખવેલા અલગ ઍકાઉન્ટસમાં રકમ જમા કરવા કહ્યું હતું. પૂરી દુનિયામાં તેના લગભગ દશ હજાર પંટરો છે. 26 માર્ચે તેણે કહ્યું કે આઈપીએલની ફાઈનલમાં ત્રણ ટીમો સનરાઈઝર્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગમાંથી એક ટીમ જીતશે. આ પ્રકારની ટિપ્સ થકી જ બુકીએ રૂા. 65 કરોડનો નફો કમાઈ લીધો. આ બુકીએ આગલા સપ્તાહથી શરૂ થઈ રહેલા વિશ્વકપ ટુર્નામેન્ટની ટિપ્સ માટે પોતાનો રેટ જારી કર્યો છે. જે પંટરોએ આઈપીએલમાં રૂા. 65000 આપ્યા હતા તેઓ પાસે તે રૂા. 40000 લેશે, પણ નવા પંટરોએ તો રૂા. 65000 જ આપવા પડશે.

આ બુકી જૂનના પ્રથમ સપ્તાહમાં વિશ્વકપના અંતિમ દોરમાં પહોંચનારી ચાર ટીમોની ટિપ્સ જાહેર કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બુકી પાકિસ્તાનના વિવાદાસ્પદ અમ્પાયર અસદ રઉફ સાથે પણ દોસ્તી ધરાવે છે.

અહીં ક્રિકેટમાં સટ્ટાબાજી સામે પોલીસે જે અૉપરેશન ચાલુ કર્યું છે તેમાં ચાર મોટા સટોડિયાઓ દુબઈમાં હોવાની વાત મળી છે. આ લોકો સામે લુકઆઉટ નોટિસ જારી કરાઈ રહી છે. પોલીસની તપાસમાં માલૂમ પડયું છે કે કેટલાક મોટા બુકીઓ કેસીનોના લાઈસંસ પર દેશભરમાં સટ્ટો રમી  રહ્યા છે.



Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer