આજે મમતા ચાર રૅલી કરશે, મોદી બે સભા સંબોધશે

આજે મમતા ચાર રૅલી કરશે, મોદી બે સભા સંબોધશે
કોલકાતા, તા. 16 : લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પહેલાં બંગાળમાં ચૂંટણી લડાઈ આક્રમક જોવા મળી રહી છે. રાજકીય હિંસામાં વધારો થતાં ચૂંટણી પંચે બંગાળમાં પ્રચારનો સમય ઘટાડી દીધો છે તો મમતા બેનર્જીના નજીક અધિકારીઓ અડફેટે ચડ્યા છે. અધિકારીઓની બદલી કે તેને દૂર કરવાની કાર્યવાહીને કારણે મમતા બેનર્જી વધુ ભડક્યાં છે અને ચૂંટણી પંચને આડે હાથ લીધું છે.  
વડા પ્રધાન મોદી આજે બંગાળમાં બે રૅલીઓને સંબોધિત કરશે તો બંગાળના સીએમ મમતા બેનર્જી આજે ચાર સભાઓને સંબોધન કરશે. બંગાળમાં ચૂંટણી પંચે પ્રચારનો સમય ઘટાડી દીધો છે જેના કારણે આજે રાતે 10 વાગ્યાથી ચૂંટણી પ્રચાર થંભી જશે. બુધવારે મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો અને અમિત શાહની સજા ટીએમસીને આપી હોવાનું કહ્યું હતું. આ નિર્ણય પછી મમતા બેનરજીએ ચૂંટણી પંચ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મેં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકોથી ભરેલું ચૂંટણી પંચ ક્યારેય નથી જોયું. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કોઈ મુશ્કેલી જ નથી, કે જેથી અહીં કલમ 324 લાગુ કરવી પડે. બીજી તરફ, કૉંગ્રેસ નેતા અહેમદ પટેલ અને સીપીઆઈ(એમ) નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે, જો હિંસાના કારણે પ્રચાર રોકવાની નોબત આવી ગઈ તો પંચે ગુરુવાર સુધી રાહ કેમ જોઈ? શું એટલા માટે કે, ગુરુવારે સાંજે ત્યાં મોદીની રૅલીઓ છે? નોંધનીય છે કે, ગુરુવારે મોદીની દમદમ અને લક્ષ્મીકાંતપુરમાં રૅલીઓ છે. દમદમની રૅલી સાંજે સાડા ચાર વાગ્યે શરૂ થશે. 
અમિત શાહ વિરુદ્ધ ત્રણ કેસ દાખલ, 58 લોકોની ધરપકડ: કોલકાતાની હિંસક ઘટનાઓના આરોપમાં પોલીસે અમિત શાહ અને ભાજપ કાર્યકરો વિરુદ્ધ ત્રણ અલગ અલગ એફઆઈઆર દાખલ કરી હતી અને 58 લોકોની ધરપકડ કરાઈ હતી.

Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer