એક્ઝિટ પોલના સંકેતથી શૅરબજારમાં તેજીનો વંટોળ

એક્ઝિટ પોલના સંકેતથી શૅરબજારમાં તેજીનો વંટોળ
સેન્સેક્ષમાં 1421 અને નિફટીમાં 421 પૉઈન્ટસનો હાઈ જમ્પ
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી આવેલા મોટા ભાગના એક્ઝિટ પોલના અંદાજ પ્રમાણે એનડીએ સરકારના પુન: સત્તારૂઢ થવાના અનુમાનથી શૅરબજારમાં 1999 પછીનો સૌથી મોટો ઉછાળો જોવાયો હતો. અહેવાલ પ્રમાણે બજારની શરૂઆત થતાં જ શુક્રવારના બંધથી બજારના કેપિટલાઈઝેશન રૂા. 3 લાખ કરોડનો જંગી ઉછાળો નોંધાયો હતો. એનએસઈમાં નિફટી 11652 ખૂલીને 11592નું દૈનિક તળિયું બનાવ્યા પછી સતત વધીને 11845ની ટોચે ગયા પછી ટ્રેડ અંતે 421 પૉઇન્ટ સુધારે 11828 બંધ આવ્યો હતો. બીએસઈ સેન્સેક્ષે 1422 પૉઈન્ટની લાંબી છલાંગ લગાવતાં 39352ની સપાટી પુન: પ્રાપ્ત કરી હતી.
એનડીએ સરકારના પુન: સત્તારૂઢ થવાના સંકેતે વૈશ્વિક બજારમાં ક્રૂડતેલની ભારેલા અગ્નિની સ્થિતિ અને ચીન-અમેરિકાના વેપાર યુદ્ધની અસરને કામચલાઉ ધોઈ નાખી છે. નિષ્ણાતોના અંદાજ પ્રમાણે ડીઝલના સ્થાનિક ભાવમાં અંદાજે 15 ટકા વધારાનો સંકેત છતાં આજે તેલ-ગૅસ અને અૉટો શૅરોમાં ભાવઉછાળો જોવાયો હતો. બજારમાં ફક્ત લાવ-લાવની સ્થિતિ હોવાથી મંદીવાળાઓ વેચાણમાં પીછેહઠ કરતા મોટા ભાગના શૅરો ઉપરના ભાવે બંધ થયા હતા. આજના મોટા ઉછાળામાં સૌથી વધુ પીએસયુ બૅન્કેક્ષ આઠ ટકા વધ્યો હતો. જેમાં કૅનેરા બૅન્ક, સિન્ડિકેટ, બીઓબી, ઈન્ડિયન બૅન્ક સાત ટકા સુધી વધ્યા હતા. અૉટો, ફાર્મા, રીયલ એસ્ટેટ, તેલ-ગૅસ સહિતના ક્ષેત્રવાર સૂચકાંક 0.6થી 5.7 ટકા ઊંચે બંધ હતા. બીએસઈના કુલ ટ્રેડેડ શૅરમાંથી 2018ના ભાવ વધવા સામે 611 શૅર ઘટાડે હતા. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્ષ બન્ને 493 પૉઈન્ટ વધ્યા હતા. આજના વધારામાં અદાણી ગ્રુપના શૅરો સરેરાશ 17 ટકા ઉછળ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂા. 58 વધ્યો હતો. આ ગ્રુપના અન્ય શૅર પણ સુધારે હતા.
આજે સુધારાની આગેવાની લેનાર શૅરમાં જ્યારે એસબીઆઈ રૂા. 25, યસ બૅન્ક રૂા. 9, એલએન્ડટી રૂા. 92, ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 121, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૂા. 18, ગેઈલ રૂા. 12, બીપીસીએલ રૂા. 16, ગ્રાસીમ રૂા. 61 ઉપરાંત બજાજ ફીનસર્વ રૂા. 229, એચડીએફસી બૅન્ક રૂા. 42, ટીસીએસ રૂા. 48, હીરો મોટોકોર્પ રૂા. 90, મારુતિ સુઝુકી રૂા. 377 વધ્યા હતા. માત્ર મુખ્ય શૅરમાં બજાજ અૉટો અને ઝીના ભાવમાં ઘટાડો થયો હતો.
બજાર વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે અગાઉ 2014માં એનડીએ સરકારના આગમન સમયના બજાર વધારાના આંકને આજના જંગી ઉછાળાએ ઝાંખો પાડયો છે. જોકે, અનુભવી એનલિસ્ટોના સંકેત પ્રમાણે ચાલુ અઠવાડિયા અંતે આવતી એફએન્ડઓની આખરી તારીખ (ગુરુવાર) અને ચૂંટણીના વાસ્તવિક મતગણતરી થકીના પરિણામની અસર પૂરી થયા પછી આગામી અઠવાડિયે બજાર તેની મૂળ મધ્યમ ગાળાની ચાલ (ટ્રેન્ડ) દર્શાવવાનું શરૂ કરશે. આ સમયગાળા દરમિયાન નાના રોકાણકાર ટ્રેડરોએ બજારથી દૂર રહેવું જરૂરી છે.
ટેક્નિકલી હવે નિફટીમાં 11900 ઉપર 12100-200નો રેસિસ્ટન્ટ ઝોન મહત્ત્વપૂર્ણ બનશે. જોકે, સટ્ટાકીય, હેજફંડ અને સ્થાનિક રોકાણ સંસ્થાઓની મજબૂત લેવાલીથી વધેલા બજારનું કરેકશન પણ હવે સટ્ટાકીય વેચવાલીથી આવશે એ સ્પષ્ટ છે. જેથી રોકાણકારોને 11800 ઉપરની સપાટીએ 50 ટકા નફાતારવણીથી લાભ રહેશે. નિફટીમાં 10710 તૂટતાં મધ્યમ ગાળે બજાર પુન: 11500 નીચે જવાની પ્રબળ સંભાવના છે.

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer