આઇસીઈએક્સ પર કાળાં મરીમાં વાયદાના કોન્ટ્રેક્ટસનો પ્રારંભ

આઇસીઈએક્સ પર કાળાં મરીમાં  વાયદાના કોન્ટ્રેક્ટસનો પ્રારંભ
મુંબઈ, તા. 20 : ઇન્ડિયન કૉમોડિટી એક્સચેન્જે (આઇસીઈએક્સ) બજારના સહભાગીઓ સાથે ગહન ચર્ચાવિચારણા કર્યા બાદ સુધારિત ધોરણો સાથે કાળાં મરીમાં આજથી વાયદાના કોન્ટ્રાક્ટ્સનો નવેસરથી પ્રારંભ કર્યો છે. 
નવા કોન્ટ્રેક્ટસ પ્રવર્તમાન બજારમાં વપરાશમાં લેવાતા અને ઉત્પાદનમાં ગુણવત્તાના માપદંડો મુજબના 550 ગ્રામ/લિટરના છે. આઇસીઈએક્સ દ્વારા ગુણવત્તામાં નવા ફેરફાર પ્રવર્તમાન ફિઝિકલ માર્કેટને અનુરૂપ છે. હાલમાં અન્ય કોઈ એક્સચેન્જોમાં કાળાં મરીના વાયદામાં ટ્રાડિંગ થતું નથી. આથી, હવે કાળાં મરીમાં વાયદાના વેપારની ઉપલબ્ધિથી આ ઉદ્યોગના હિસ્સાધારકોની જરૂરિયાત સંતોષાશે. કાળાં મરીમાં ત્રણ મહિનાના જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટસ વાયદાના કામકાજો માટે એકસાથે ઉપલબ્ધ બનાવાયા છે. કોન્ટ્રેક્ટસની ટ્રાડિંગ લોટ સાઈઝ અને ડિલિવરી યુનિટ 1 મે.ટન નિર્ધારિત છે. ડિલિવરી માટે ફરજિયાત માન્ય કેન્દ્ર એર્નાકુલમ ખાતે કડવન્થ્રા છે. 
 આ પ્રસંગે આઇસીઈએક્સના એમડી અને સીઈઓ સંજિત પ્રસાદે જણાવ્યું હતું કે `વાસ્તવમાં કાળાં મરીનો કોન્ટ્રેક્ટ કૉમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં શરૂ થયેલા કોન્ટ્રેક્ટસમાં સૌથી જૂનામાં જૂનો કોન્ટ્રેક્ટ છે. બદનસીબે, તે ખાસ ચાલી શક્યો નહોતો. આઇસીઈએક્સે અગાઉની સ્થળ વિશેષ લાક્ષણિકતાને બદલે લિટર વેઇટ 550 જીએલ આધારિત કોન્ટ્રેક્ટના પુન: પ્રારંભનો નિર્ણય સભાનપણે લીધો છે. કાળાં મરીનું ફિઝિકલ બજાર વાર્ષિક લગભગ રૂા.3000 કરોડનું છે. કાળાં મરીમાં ઉત્પાદક, નિકાસકાર અને આયાતકારને અસર કરતી ઊંચી ભાવ વધઘટ થાય છે. આથી, આઇસીઈએક્સ પર કાળાં મરીમાં ડેરિવેટિવ્ઝ આ ઉદ્યોગ માટે આર્થિક રીતે સુસંગત બની રહેશે.` 
ઇન્ડિયન કોમોડિટી એક્સચેન્જ (આઇસીઈએક્સ) વિષે : ઇન્ડિયન કોમોડિટી એક્સચેન્જ (આઇસીઈએક્સ) સેબીના નિયમન હેઠળ કાર્યરત કોમોડિટીઝ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ છે.

Published on: Tue, 21 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer