દેશના નાગરિકો પાસે છે 25 હજાર ટન સોનું

દેશના નાગરિકો પાસે છે 25 હજાર ટન સોનું
કુલ જીડીપીના 40 ટકા જેટલો હિસ્સો ઘરેલુ સોનાનો
નવી દિલ્હી, તા.20 : દેશના નાગરિકો પાસે 24,000-25,000 ટન સોનું હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)ના મેનેજિંગ ડિરેક્ટર સોમાસુંદરમ પીઆરએ કહ્યું છે. 
સોનાની શુક્રવારના આંતરરાષ્ટ્રીય ભાવના આધારે ગણતરી કરીએ તો 25,000 ટન સોનાનું મૂલ્ય 1135 અબજ ડૉલર થાય છે, જે દેશના નાણાકીય વર્ષ 2019ના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)ના 40 ટકા જેટલું છે. 
કેન્દ્રીય બૅન્કના રિઝર્વને (608.8 ટન) અને 10 ટકા આયાત ડયૂટીને ધ્યાનમાં લેતાં દેશમાં સોનાનો સ્ટોક ખૂબ જ વધુ છે. હાલના વર્ષોમાં સોનાની માગ મંદ રહેવા છતાં સોનાના સ્ટોક કરવામાં વધારો થયો છે, જેનું મુખ્ય કારણ પરંપરાગત રીતે થતી સોનાની ખરીદી છે. 
સોમાસુંદરમે કહ્યું કે, અમે બે વર્ષ પહેલાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને જેમાં નિષ્કર્ષ કાઢ્યો કે હાઉસહોલ્ડ સ્ટોક 23,000-24,000 ટન સોનું છે. હાલમાં આ સ્ટોક 24,000-25,000 ટન હોવાનો અંદાજ છે. વિશ્લેષકોનું કહેવું છે કે, સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં ફરી તેજી આવવાથી સોનું ફરી આકર્ષક બન્યું છે.  જોકે ગોલ્ડ સ્કીમો (મુદ્રીકરણ, બોન્ડ્સ, સોવરિન સિક્કાઓ) વર્ષ 2015ના અંતિમ સમયે લોન્ચ થયા છે અને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નથી. આ દરેક સ્કીમો દેશના વાર્ષિક વપરાશમાં ફક્ત બે ટકા જેટલો હિસ્સો ધરાવે છે. પ્રોત્સાહનો વધારવાથી આ કલેકશનમાં પણ વધારો થશે. 
સરકાર `િબન-જરૂરી આયાત'ને અંકુશ રાખવા માગે છે, જેના ભાગરૂપ આ યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે. તેમ જ આ યોજનાઓ દેશના વેપાર અને રાજકોષીય ખાધ ઉપર અસર કરશે. સોનામાં 10 ટકા કસ્ટમ્સ ડયૂટી લાગુ પડવાથી આયાત મંદ પડે છે અને દાણચોરી વધવાનું જોખમ રહે છે. 
માર્ચ ત્રિમાસિક ગાળામાં ભારતીય સોનાની માગ 5.2 ટકા વધી હતી, પરંતુ વૈશ્વિક માગ સાત ટકા ઘટી હોવાનું ડબ્લ્યુજીસીના આંકડા દર્શાવે છે. દેશમાં વર્ષ 2019માં 750-850 ટન સોનાની માગ રહેવાનો અંદાજ છે, જે વર્ષ 2018માં 760 ટન હતી. 
સોમાસુંદરમે કહ્યું કે, રૂપિયો મજબૂત થતાં અને સોનાના સ્થાનિક ભાવ ઘટવાથી માર્ચ ત્રિમાસિકમાં સોનાની માગ પાંચ ટકા વધીને 159 ટન થઈ હતી. લગ્નની સિઝનની ખરીદી, અક્ષય તૃતીયા અને પાકના ભાવ વધવાથી જૂન ત્રિમાસિકના સોનાની માગના આંકડા વધુ સારા રહેવાની ધારણા છે. વધુમાં હવામાન ખાતાએ પણ આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે, જેથી ગ્રામીણ અર્થતંત્રમાં સોનાનું વર્ચસ્વ રહેશે, એમ પણ તેમણે કહ્યું હતું. 
નોટબંધી બાદ દેશમાં સોનાની માગ ઘટી (2016માં 666 ટન) હતી. જોકે વર્ષ 2018માં માગમાં રિકવરી થતાં તે 760 ટનની થઈ હતી. 

Published on: Tue, 21 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer