સપ્ટેમ્બરમાં કરાઈ હતી પહેલી સર્જિકલ સ્ટ્રાઇક : ભારતીય સેનાએ ફરી કરી સ્પષ્ટતા

ઉધમપુર, તા. 20 : ભારતીય લશ્કરે એકવાર ફરી સ્પષ્ટ કર્યું છે કે પહેલી સર્જિકલ સ્ટ્રાઇક સપ્ટેમ્બર-'16માં કરવામાં આવી હતી. સેનાએ એ સાથે જ બાલાકોટ એર સ્ટ્રાઇકને ખૂબ જ પ્રશંસનીય ગણાવી હતી.
ઉત્તરીય કમાન્ડના જીઓસી ઇન ચીફ લેફટનન્ટ રણબીરસિંહે કહ્યું કે, વાયુસેનામાં એરક્રાફટ સરહદની પાર કરીને અંદર ગયા અને આતંકવાદી ઠેકાણાઓને ખતમ કરીને સુરક્ષિત પાછા આવી ગયા.
સર્જિકલ સ્ટ્રાઇક પર ચાલતા રાજકારણ વિશે તેમણે કહ્યું કે, રાજકીય દળો શું કહે છે તેના પર અમે ટિપ્પણી નથી કરી શકતા.
લેફટનન્ટ જનરલ સિંહે કહ્યું કે, `કેટલાક દિવસ પહેલાં ડીજીએમઓએ એક માહિતી અધિકાર અરજીના જવાબમાં કહ્યું હતું કે, પહેલી સર્જિકલ સ્ટ્રાઇક સપ્ટેમ્બર-2016માં થઇ હતી. રાજકીય દળો શું કહે છે હું એમાં જવા નથી માગતો. એમને સરકાર જવાબ આપશે. હું તમને કહી રહ્યો છું તે એક તથ્ય છે.'
ભારતની લશ્કરી ક્ષમતાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, `સારું એ છે કે કોઇ પણ પ્રકારની ઘટનાને પાર પાડવા માટે અંકુશરેખાની પાસે આવવાની હિમત ન કરે. અમારી સૈન્ય વ્યૂહરચના એ સ્પષ્ટ રહી છે. જો પાકિસ્તાન સેના દ્વારા કોઇ હરકત કરવામાં આવે તો તેનો હંમેશાં સખત જવાબ આપવામાં આવે.'
તેમણે કહ્યું કે, `હું તમને વિશ્વાસ અપાવું છું કે આપણી સેનામાં આ ક્ષમતા, સૈન્ય અભિયાન ખૂબીપૂર્વક કરવાની કાબેલિયત અને દૃઢ સંકલ્પ પણ છે જે પાકિસ્તાન તરફથી આવનારા કોઇ પણ પડકારનો સખત જવાબ આપવા માટે સક્ષમ છે.'

Published on: Tue, 21 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer