પીએસઆઇ આપઘાત કેસમાં મૃતકની પત્નીએ ન્યાય માટે કરી રજૂઆત

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 20 : પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડ આપઘાત કેસમાં ન્યાય ન મળતાં મૃતકના પત્ની ડિમ્પલ રાઠોડે સાત દિવસમાં ન્યાય નહીં મળે તો સચિવાલયમાં આત્મવિપોલન કરવાની ચીમકી આપી હતી. ગત મોડી રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સોલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પીએસઆઇના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને સમજાવ્યા હતા અને ગણતરીના દિવસોમાં જ તપાસ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. જેના પગલે ડિમ્પલ રાઠોડે આત્મવિલોપનની ચીમકી પાછી ખેંચી લીધી હતી. આજે સવારે ડિમ્પલ રાઠોડ અને તેમના પરિવારજનો ગાંધીનગર સચિવાલયમાં પહોંચ્યા હતા. તેઓએ ગૃહપ્રધાનને આવેદનપત્ર આપી ન્યાય માટે રજૂઆત કરી હતી. 
મૃતક પીએસઆઇના પત્ની ડિમ્પલ રાઠોડે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હું મારા પતિના ન્યાય માટે લડું છું પરંતુ અહીં સચિવાલય ખાતે મારા માટે ટેરરિસ્ટ જેવો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જો સ્યુસાઇડ નોટમાં મારું નામ હોત તો મારી પૂછપરછ કે ધરપકડ ન થઇ હોત. તેમણે પોલીસ તંત્ર સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, શા માટે પોલીસનું નિવેદન નથી લેવાતું? શા માટે હજુ સુધી જવાબદાર પોલીસની પૂછપરછ  નથી થઇ? શા માટે કોઇ પગલાં નથી લેવાયાં? શું સરકાર કોઇને બચાવવાનો પ્રયાસ કરી રહી છે? આ અધિકારી માથાભારે છે એટલે હું ગૃહપ્રધાનને રજૂઆત કરવા જઇ રહી છું તેમ છતાં જો મને યોગ્ય ન્યાય નહીં મળે તો 15 દિવસમાં આગળ પગલાં ભરીશ.

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer