કૉંગ્રસેનાં પ્રિયા દત્ત ભાજપનાં પૂનમ મહાજનને આપશે માત

મુંબઈની સીટ વિશેનો ખાનગી ટીવી ચૅનલનો એક્ઝિટ પૉલ શું કહે છે?
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : ઉત્તર મુંબઈની બેઠક પર ભાજપના ગોપાળ શેટ્ટી, દક્ષિણ મુંબઈમાં શિવસેનાના અરવિંદ સાવંત, ઉત્તર મધ્ય મુંબઈમાં કૉંગ્રેસના પ્રિયા દત્ત અને વાયવ્ય મુંબઈમાં શિવસેનાના ગજાનન કીર્તિકર વિજયી નીવડશે એમ એબીપી માઝાના એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે.
એબીપી માઝા દ્વારા કરવામાં આવેલા સર્વે પછી એક્ઝિટ પોલનાં તારણો બહાર પાડવામાં આવ્યાં છે. તે અનુસાર ઉત્તર મુંબઈમાં શેટ્ટી સામે કૉંગ્રેસના ઉમેદવાર અને અભિનેત્રી ઊર્મિલા માતોંડકર, પ્રિયા દત્ત સામે ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ પૂનમ મહાજન તેમ જ વાયવ્ય મુંબઈમાં કીર્તિકર સામે કૉંગ્રેસના ઉમેદવાર સંજય નિરૂપમ તેમ જ દક્ષિણ મુંબઈમાં સાવંત સામે કૉંગ્રેસના મિલિન્દ દેવરાનો પરાભવ થશે. દેવરા કૉંગ્રેસના મુંબઈ એકમના વડા અને કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ રાજ્ય પ્રધાન છે.
વર્ષ 2014માં મુંબઈમાંથી ભાજપના ગોપાલ શેટ્ટી, પૂનમ મહાજન અને કિરીટ સોમૈયા તેમ જ શિવસેનાના ગજાનન કીર્તિકર, અરવિંદ સાવંત અને રાહુલ શેવાળે વિજયી નીવડયાં હતાં. જોકે, આ વખતે પૂનમ મહાજન સામે કૉંગ્રેસનાં પ્રિયા દત્ત વિજયી નીવડશે એમ એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે.
એબીપી માઝા દ્વારા મહારાષ્ટ્રમાં દસ લોકસભા ક્ષેત્રના એક્ઝિટ પોલનાં તારણો બહાર પાડવામાં આવ્યાં છે. તે અનુસાર બારામતીમાં રાષ્ટ્રવાદીના વડા શરદ પવારનાં દીકરી સુપ્રિયા સૂળે સામે ભાજપના ટેકાથી ચૂંટણી લડી રહેલા રાસપના ઉમેદવાર કાંચન કુલ ચૂંટણી હારી જશે. બારામતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્ય પ્રધાન ફડણવીસે પ્રચાર સભા યોજી હતી. માવળમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર અને રાષ્ટ્રવાદીના ઉમેદવાર પાર્થ પવાર શિવસેનાના સાંસદ શ્રીરંગ બારણે સામે જીત હાંસલ કરશે.
કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ નાંદેડમાંથી વિજય મેળવશે. નાંદેડમાં ભાજપે પ્રતાપ પાટીલ-ચિખલીકરને મેદાનમાં ઉતાર્યા છે.   નાંદેડમાં વધા પ્રધાન મોદીએ પ્રચારસભા યોજી હતી.
ચંદ્રપુરમાંથી વિજય મેળવીને ચોથી વખત લોકસભામાં પ્રવેશવાનો મનસૂબો ધરાવતા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રના ગૃહ રાજ્યપ્રધાન હંસરાજ આહિર કૉંગ્રેસના બાળુ ધાનોસ્કર સામે પરાજિત થશે.
નાશિકમાં શિવસેનાના સાંસદ હેમંત ગોડસે રાષ્ટ્રવાદી નેતા અને ભૂતપૂર્વ સાંસદ સમીર ભુજબળને હરાવશે.
નાગપુરમાં કેન્દ્રના વહાણવટા ખાતાના પ્રધાન નીતિન ગડકરી વિજયી નીવડશે.

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer