એનડીએના સહયોગી પક્ષોના નેતાઓ સાથે આજે અમિત શાહની ડિનર મિટિંગ

વડા પ્રધાન મોદી પણ હાજર રહે એવી વકી
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 20 : 17મી લોકસભાની ચૂંટણીના મતદાન પછી રવિવારે જાહેર કરવામાં આવેલા તમામ એકઝિટ પોલ્સના અનુમાનોથી ઉત્સાહિત ભાજપે પોતાની આગળની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને પોતાની આગામી રણનીતિ પર વિચારવિમર્શ કરવા માટે મંગળવાર, તા. 21 મેના ભાજપના પ્રમુખ અમિત શાહે એનડીએના સહયોગી પક્ષોના નેતાઓને રાત્રિભોજન (ડિનર) માટે આમંત્રણ આપ્યું છે.
ભાજપના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારના આ રાત્રિભોજન સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહે એવી સંભાવના છે. આ ઉપરાંત આ બેઠકમાં શિરોમણી અકાલી દળના પ્રકાશસિંહ બાદલ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, જનતા દળ (યુ)ના નીતિશકુમાર, લોક જનશક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાન સહિત તમામ સાથી પક્ષોના નેતાઓ હાજર રહે એવી ધારણા છે.
એક્ઝિટ પોલના અનુમાનો પ્રમાણે 23 મેના પરિણામ આવશે એવું ધારીને ભાજપે મોદી સરકાર પાર્ટ-2 બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. અનુમાનો પ્રમાણે પરિણામ આવશે તો 25 મેના ભાજપ અને એનડીએના તમામ સહયોગી પક્ષોના નવા ચૂંટાયેલા સાંસદોની સંસદીય દળની બેઠક યોજવામાં આવી શકે છે, જેમાં એનડીએના નવા નેતાઓની વિધિવત ચૂંટણી કરવામાં આવશે અને નરેન્દ્ર મોદીને ફરીથી એનડીએના નેતા તરીકે જાહેર કરવામાં આવે એવી પૂરી શક્યતા છે.

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer