મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં કૉંગ્રેસની સરકારો પર ખતરો

ભાજપની તરફેણ કરતા એક્ઝિટ પોલ્સના અનુમાનો 
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 20 : જો લોકસભાના એક્ઝિટ પોલ્સ સાચા પુરવાર થશે તો કૉંગ્રેસને તેની મધ્યપ્રદેશ અને કર્ણાટક સરકારોને બચાવવાનો મોટો પડકાર ઊભો થશે.એક્ઝિટ પોલમાં કર્ણાટક અને મધ્યપ્રદેશમાં ભાજપને મોટો ફાયદો થતો હોવાનું અનુમાન કરવામાં આવતાં આ પડકાર ઊભો થયો છે, કારણ કે મધ્યપ્રદેશમાં કૉંગ્રેસ પાતળી બહુમતી ધરાવે છે અને તે પણ સપા અને બસપાના ટેકાથી જ્યારે કર્ણાટકમાં કૉંગ્રેસ અને જેડી(એસ)નું આપસમાં જરાય બનતું નથી અને લોકસભાનાં પરિણામોની રાહ જોવામાં આવી રહી છે અને તેના પરથી કુમારસ્વામીની મિશ્ર સરકારના ભાવિની ખબર પડશે.
એક્ઝિટ પોલ્સના અનુમાનોથી ઉત્સાહમાં આવી ગયેલા મધ્યપ્રદેશના વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવે એવો દાવો કર્યો હતો કે, કૉંગ્રેસની કમલનાથ સરકાર લઘુમતીમાં છે અને મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરવા તથા કૉંગ્રેસ સરકારની તાકાતનું પરીક્ષણ કરવા રાજ્ય વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા તેઓ ગવર્નર આનંદીબેન પટેલને અનુરોધ કરશે. 2018માં યોજાયેલી મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે 114 બેઠકો જીતી હતી જે બહુમતી કરતાં એક બેઠક ઓછી હતી જ્યારે ભાજપને 109 બેઠકો મળી હતી. કૉંગ્રેસે માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના ટેકાથી સરકાર બનાવી હતી.
બીજી તરફ કર્ણાટકમાં કૉંગ્રેસની અંદર એવી ગુસપુસ ચાલી રહી છે કે, ગઠબંધનના પક્ષ જેડી (એસ) સાથે ખુશ નથી અને આ અસંતોષ લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ ખુલ્લેઆમ બહાર આવશે. કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ કર્ણાટક સરકારને બચાવવા આગોતરી તમામ સાવચેતી રાખી છે અને તેમણે કર્ણાટકના તેમના નેતાઓને જણાવી દીધું છે કે કોઈ પણ ભોગે આ જોડાણ ચાલુ રહેશે. પરિણામો જાહેર થયાં બાદ અસંતુષ્ટ કૉંગ્રેસી નેતાઓ સરકારને પાડી દેશે એવી ચેતવણી જેડી (એસ)ના વડા દેવે ગોવડા તરફથી મળ્યા બાદ રાહુલ ગાંધીએ આ તકેદારી રાખી હતી.
મુખ્ય પ્રધાન એચ.ડી. કુમારસ્વામીનાં તાજેતરનાં નિવેદનોને ટાંકીને જેડી (એસ)ના વડા એચ.ડી. દેવે ગોવડા અને કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાએ જણાવ્યું હતું કે, `કૉંગ્રેસ અને જેડી (એસ)માં ઘણો ગુંચવાડો પ્રવર્તી રહ્યો છે અને અટકળો થઈ રહી છે, પરંતુ બધું જ લોકસભાનાં પરિણામ પર આધાર
રાખે છે.'
રવિવારે રાહુલ ગાંધીએ કર્ણાટક કૉંગ્રેસના નેતાઓ સાથે લાંબી ચર્ચા કરી હતી. આ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. રાહુલે આ નેતાઓને જણાવ્યું હતું કે, જેડી (એસ) સાથે જોડાણ તેમ જ સરકારને ચાલુ રાખવા કામ કરવાનું છે, પરંતુ અહેવાલો એમ જણાવે છે કે, સિદ્ધારામૈયાએ પક્ષની નેતાગીરીને કહ્યું હતું કે જેડી (એસ) સાથે જોડાણ તોડવાનું પક્ષના હિતમાં છે, કારણ કે જેડી (એસ)ના નેતાઓ કૉંગ્રેસના વિધાનસભ્યોને જોઈએ એટલું મહત્ત્વ આપતા નથી.
 
 

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer