સુરતમાં ગોડસેની જન્મજયંતિની ઉજવણી કરનારા છ જણની અટકાયત

સુરતમાં ગોડસેની જન્મજયંતિની ઉજવણી કરનારા છ જણની અટકાયત
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 20 : મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને લઇને થોડા દિવસ પહેલા લોકસભાની ચૂંટણીમાં પણ ભારે વિવાદ થયો હતો. આજે સુરતના લિંબાયતમાં નથુરામ ગોડસેની 109 મી જન્મજંયતિની  ઉજવણી કરવામાં આવી હતી. લિંબાયત ખાતે અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા પંચમુખી  હનુમાનજી મંદિર ખાતે 109  દિવા પ્રગટાવી અને 109 લાડુનો પ્રસાદ ધરાવી ઉજવણી કરવામાં આવી હતી. 
સુરત શહેર કૉંગ્રેસ દ્વારા આ ઉજવણીની વિરોધ કરવામાં આવ્યો હતો. શહેર કૉંગ્રેસે પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ કમિશનર સતિષ શર્માએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારના સંજયનગરમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના લગભગ આઠ કે તેથી વધુ હોદ્દેઁદારોએ મહાત્માગાંધીના હત્યારા નથુરામ ગોડસેની જન્મજંયતિની ઉજવણી કરેલ ત્યાં દિપક પ્રગટાવેલ અને મિઠાઇની વહેંચણી કરી આ કૃત્ય સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓ વિરુદ્ધ સુરત પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ લોકોની લાગણી દુભાવીને તેઓમાં ઉશ્કેરાટ અને ઉત્તેઁજના  ફેલાવી  જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ  લિબાયત પોલીસે  ઇન્ડિયન પીન કોડની  કલમ  153, 153-એ, (1) (બી), 153-એ(2) અને 34 હેઠળ ગુનો નોંધ્યો છે. (1) હીરેન મશરુ, (2) વાલા ભરવાડ (3) વિરલ માલવી (4) હિતેશ સોનાર (5) યોગેશ પટેલ (6) મનીશ કલાલની અટકાયત કરી વધુ પોલીસે તપાસ હાથ ધરી છે.     
પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતાના હત્યારાને ખોટી રીતે માન આપી અગર કોઇ વ્યકિત લોકોને ઉશ્કેરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા પ્રયત્ન કરશે તો તેઓની વિરુદ્ધ કાયદા મુજબ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. તમામ નાગરિકોને નિવેદન કરવામાં આવે છે તેઓ ઉશ્કેરાટમાં નહીં આવે અને શાંતિ જાળવવામાં  અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં પોલીસની મદદ કરે. 
 

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer