સેન્સેક્ષમાં 1400 અને નિફ્ટીમાં 421 પૉઈન્ટનો જોરદાર ઉછાળો

સેન્સેક્ષમાં 1400 અને નિફ્ટીમાં 421 પૉઈન્ટનો જોરદાર ઉછાળો
મોદી મેજિકના સંકેતથી શૅરબજાર આસમાને : 10 વર્ષનો રેકોર્ડ તૂટયો
મુંબઈ, તા. 20 : લોકસભા ચૂંટણીનું મતદાન રવિવારે પૂર્ણ થયા બાદ જારી થયેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં મોદી સરકારની વાપસીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મોદી મેજીકની વાપસીના વરતારાની અસર સોમવારે શેરબજારમા જોવા મળી હતી અને સેન્સેક્સ તેમજ નિફ્ટીએ એક દિવસમાં 10 વર્ષની સૌથી મોટી છલાંગ મારી હતી. સોમવારના કારોબારના અંતે સેન્સેક્સ 1421.90 પોઈન્ટના ઉછાળા સાથે 39352.67 પોઈન્ટ અને નિફ્ટી 421.10 પોઈન્ટના ઉછાળા સાથે 11828.25 પોઈન્ટે બંધ થયા હતા. જેમાં 2013 શેરમાં વૃદ્ધિ અને 613 શેરમાં ઘટાડો નોંધાયો હતો. 
શેરબજારમાં દિવસની શરૂઆત જ 2.49 ટકાની વૃદ્ધિ સાથે થઈ હતી. જ્યારે નિફ્ટીમાં પણ 2.15 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈની 31 કંપનીઓના શેર ઉપર આધારિત સંવેદી સૂચકાંક સેન્સેક્સ 946 અંકની તેજી સાથે 38,877.01 પોઈન્ટે ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 244.75 અંકની વૃદ્ધિ સાથે શરૂઆત કરી હતી. સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ રવિવારે આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએને 287 થી 340 બેઠક મળવાનો દાવો કરવામાં આવ્યો હતો. સરકાર બનાવવા માટે 272 બેઠકની જરૂર છ અને એક્ઝિટ પોલનું અનુમાન તેનાથી વધારે છે. આ દરમિયાન શેરબજારમાં જોવા મળેલા સકારાત્મક માહોલમાં બીએસઈ ઉપર લગભગ 40 કંપનીઓના શેર 52 અઠવાડિયાના ઉચ્ચ સ્તરે આંબ્યો હતો. જેમાં બજાજ ફાયનાન્સ, ડીસીબી બેન્ક, ફેડરલ બેન્ક, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસઆરએફ, ટાઈટન, કોટક મહિન્દ્રા અને પીવીઆરના શેર સામેલ છે. બીએસઈમાં એસબીઆઈના શેરમાં સૌથી વધુ 4.44 ટકાની તેજી જોવા મળી હતી. જ્યારે આઈસીઆઈ-સીઆઈમાં 4.25 ટકા, એલએન્ડટીમાં 4.20 ટકા, રિલાયન્સમાં 3.63 ટકા અને ઈડસઈન્ડમાં 3.51 ટકાની તેજી રહી હતી.

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer