એક્ઝિટ પોલ્સથી રઘવાયેલા વિપક્ષી નેતાઓ આજે દિલ્હીમાં મળશે

એક્ઝિટ પોલ્સથી રઘવાયેલા વિપક્ષી નેતાઓ આજે દિલ્હીમાં મળશે
ચંદ્રાબાબુની મમતા સાથે કોલકાતામાં મુલાકાત : માયાવતીને મળ્યા અખિલેશ
નવી દિલ્હી, તા. 20 (પીટીઆઈ) : લોકસભાનાં ચૂંટણી પરિણામોના બે દિવસ પૂર્વે વિપક્ષના ટોચના નેતાઓ મંગળવારે નવી દિલ્હીમાં મળશે અને રાજકીય પરિસ્થિતિની સરકાર રચવા માટેનો દાવો કરવા એનડીએ સિવાયનું જોડાણ રચવા માટેની સંભાવનાઓ વિશે ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યાનુસાર કૉંગ્રેસ, તેલુગુ દેસમ પાર્ટી, ડાબેરી પક્ષો, બહુજન સમાજ પાટી, નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી અને તૃણમૂલ કૉંગ્રેસના જેવા વિપક્ષોના નેતાઓ ભેગાં મળશે અને એનડીએ બહુમતી અંક મેળવવામાં નિષ્ફળ નીવડે તો આગળ કેવો માર્ગ અપનાવવો તે વિશે ચર્ચા કરશે. તેઓ ચૂંટણી પંચને પણ મળશે. સુપ્રીમ કોર્ટ તરફથી નિર્દેશ અપાયા મુજબ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ની સાથે વોટર વેરિફાઇડ પેપર ટ્રેલ્સ (વીવીપીએટી)ને સરખાવવાનો મુદ્દો ઉપાશે.
આજે સપાનાં અધ્યક્ષ અખિલેશ યાદવ બસપાનાં પ્રમુખ માયાવતીને મળવા પહોંચી ગયા હતાં અને બન્ને વચ્ચે એક કલાક લાંબી ચર્ચાઓ ચાલી હતી. આ ઉપરાંત અખિલેશે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને તૃણમૂલ નેતા મમતા બેનરજી સાથે પણ ફોન ઉપર વાટાઘાટ કરી હતી. તો બીજીબાજુ શરદ પવાર અને ચંદ્રાબાબુ નાયડુ પણ પ્રાદેશિક પક્ષો સાથે સંપર્ક સાધવામાં સક્રિય બની ગયા છે.
એક્ઝિટ પોલનાં અંદાજોમાં સપા અને બસપાનું મહાગઠબંધન ઉત્તરપ્રદેશમાં ભાજપને કોઈ વધુ મોટું નુકસાન પહોંચાડતા જોવા મળ્યા નથી. જેને પગલે યુપીની રાજનીતિમાં હલચલ મચી ગઈ છે. અખિલેશ આજે સવારે જ માયાવતીને મળવા દોડી ગયા હતાં. આ બન્ને નેતાઓનાં મતે રાજ્યમાં તેમનાં ગઠબંધનને પપથી 60 બેઠકો મળવાની આશા છે. આ બેઠક ઉપરાંત અખિલેશે આજે મમતા બેનરજીને પણ ફોન કર્યો હતો અને પરિણામો પછી સર્જાનારી સંભવિત પરિસ્થિતિઓની ચર્ચા કરવામાં આવી હતી. 
બીજીબાજુ નાયડુ અને પવાર પ્રાદેશિક પક્ષોને સંગઠિત કરવાં પ્રયાસરત બની ગયા હતાં. જેમાં આજે નાયડુએ મમતા સાથે કોલકાતામાં મુલાકાત કરી હતી. પવાર પણ વિપક્ષી નેતાઓને સાધવા માટે હરકતમાં આવ્યા હતાં. 23મી તારીખે જાહેર થનાર પરિણામો એક્ઝિટ પોલથી અલગ આવવાની આશાએ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભાજપને ફરીથી સરકાર રચતા અટકાવવા માટે તેઓ વિપક્ષો વચ્ચે તાલમેલ બેસાડવાની મથામણ કરી રહ્યા છે. જેમાં પવાર ઓરિસ્સાનાં મુખ્યમંત્રી નવીન પટનાયક અને વાયએસઆર કોંગ્રેસનાં નેતા જગન રેડ્ડીનાં સંપર્કમાં છે.
જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી સર્વેક્ષણનાં તારણોનાં આધારે પક્ષનાં આંતરિક મંથનમાં વ્યસ્ત બની ગયા છે. તેઓ પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓ સાથે મસલતો કરીને આવનારા સમય માટે વ્યૂહ બનાવી રહ્યા છે. તો તેલંગણનાં મુખ્યમંત્રી કેસી રાવ ત્રીજા મોરચાને સાકાર કરવાનાં પ્રયત્નો કરી રહ્યા છે.

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer