સટ્ટાબજારમાં પણ `િફર સે મોદી સરકાર''

સટ્ટાબજારમાં પણ `િફર સે મોદી સરકાર''
નવી દિલ્હી, તા. 21 : લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા થયેલા ઍક્ઝિટ પોલમાં મોટા ભાગના પરિણામોમાં દેશમાં ભગવો  ફરકે એના નિર્દેશ કરે છે, જ્યારે  સટ્ટા બજાર પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મહેરબાન હોવાનું જણાય છે. ઍક્ઝિટ પોલના પરિણામોની જેમ જ સટ્ટા બજારમાં પણ લોકસભા ચૂંટણીમાં પીએમના નેતૃત્વમાં એનડીએની જીત બતાવાઈ રહી છે. જોકે, મુંબઈ છોડીને મોટા ભાગના સ્થળોએ સટોડિયા ઍક્ઝિટ પોલની સરખામણીમાં કેટલીક ઓછી બેઠકો આપી રહ્યા છે. સાત તબક્કામાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીમાં અનેક શહેરોમાં સટોડિયા બજાર ભાજપને 238થી 245 બેઠકો આપી રહી છે.
રાજસ્થાનમાં સટોડિયા ભાજપને 242-245 બેઠકો આપી રહ્યા છે, જ્યારે દિલ્હીના સટોડિયા બજારમાં આ આંકડો 238-241નો છે. મુંબઈમાં સટોડિયા એનડીએની પડખે ઊભા છે. તેમનું માનવું છે કે ભાજપ-એનડીએ આસાનીથી 300નો જાદુઈ આંકડો પાર કરી જશે, જ્યારે કે 543 સભ્યોવાળી લોકસભામાં બહુમત માટે 272 બેઠકોની આવશ્યકતા છે.
સટ્ટાબજારમાં સટોડિયા બીજા પક્ષોની જીત અને ભાજપને બહુમતી નહીં મળવા પર પણ પૈસા લગાવી રહ્યા છે. મુંબઈના સટોડિયાના જણાવ્યા પ્રમાણે કૉંગ્રેસના નેતૃત્વમાં મહાગઠબંધન 150 બેઠકોની સાથે એનડીએથી ઘણું પાછળ રહી શકે છે. બાકી બચેલી બેઠકો અન્ય પક્ષોને મળશે, એટલું જ નહીં દેશના વ્યવસાયિકોમાં પણ પીએમ 
મોદીને વધુ સમર્થન મળી રહેલું જણાય છે.
અહીં ઉલ્લેખ કરવો ઘટે કે 2014ની ચૂંટણીમાં ભાજપ 282 બેઠકો જીતી હતી, જ્યારે અન્ય સહયોગી પક્ષો સાથે એનડીએની કુલ 336 બેઠકો હતી. મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં ભાજપને એકલે હાથે બહુમત મળશે 
એમ જણાવાયું છે, જ્યારે સટોડિયા બજારમાં આ આંકડો કંઈક ઓછો છે, પરંતુ તે એનડીએને બહુમત આપી રહી છે. સી વૉટરના ઍક્ઝિટ પોલમાં ભાજપને 236 બેઠકો મળવાનું અનુમાન છે.
આ સટોડિયા બજારમાં આકલનની નજીક છે. સટોડિયા બજારનું માનવું છે કે કૉંગ્રેસ 75-82 બેઠકો જીતી શકે છે. કેટલાક ઍક્ઝિટ પોલના પરિણામો બતાવે છે કે એનડીએને 312, યુપીએને 110 અને અન્યોને 98 બેઠકો મળી શકે છે.
સટોડિયા બજારના અનુમાન પ્રમાણે ગુજરાતમાં ભાજપ 23, ઉત્તર પ્રદેશમાં 42, મહારાષ્ટ્રમાં 33, મધ્ય પ્રદેશમાં 22 અને રાજસ્થાનમાં 21 બેઠકો પર જીત હાંસલ કરી શકે છે.
ટાઇમ્સ નાઉ - વીએમઆર ઍક્ઝિટ પોલ અનુસાર એનડીએ ગઠબંધનને 306 બેઠકો મળી રહી છે, જ્યારે યુપીએને 132 બેઠકો મળવાનું જણાઈ રહ્યું છે. એટલે કે એનડીએ ગઠબંધન સરળતાથી બહુમતનો આંકડો પાર કરતા જણાય છે.

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer