કૉમોડિટી ટ્રેડિંગમાં પ્રવેશવા મ્યુચ્યુઅલ ફંડ્સ સજ્જ

કૉમોડિટી ટ્રેડિંગમાં પ્રવેશવા મ્યુચ્યુઅલ ફંડ્સ સજ્જ
`સેન્સિટીવ કૉમોડિટી' બાકાત 

મુંબઈ, તા.22 : બજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ મ્યુચ્યુઅલ ફંડ્સ (એમએફ)ને એક્સચેન્જ-ટ્રેડેડ કૉમોડિટી ડેરિવેટિવ્ઝ (ઈટીસીડી)માં કામકાજ કરવા માટે મંજૂરી આપી છે. જોકે, `સેન્સિટીવ કૉમોડિટી'ને આમાંથી બાકાત રાખવામાં આવી છે. કૃષિ સેગમેન્ટમાં અનિવાર્ય જણસોને `સેન્સિટીવ કૉમોડિટી'માં વર્ગીકૃત કરવામાં આવે છે. 
વધુમાં નિયામકે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ)ને ગોલ્ડ ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ કરવા માટે મંજૂરી આપી છે. નિષ્ણાતોનું માનવું છે કે, સેબીના આ નિર્ણયથી ગોલ્ડ, સિલ્વર અને બેઝ મેટલ જેવા કે એલ્યુમિનિયમ, પારો, નિકલ અને એનર્જી પ્રોડકટ્સમાં સકારાત્મક અસર પડશે. 
અંતિમ સર્ક્યુલરમાં મ્યુચ્યુઅલ ફંડ્સને ફિઝિકલ ડિલિવરી અથવા શોર્ટ માટેની મનાઈ ફરમાવી છે. જો મ્યુચ્યુઅલ ફંડ્સને ફિઝિકલ ડિલિવરી લેવી હોય તો તેમણે 30 દિવસની અંદર માલનો નિકાલ કરવો પડશે અને ફિઝિકલ ડિલિવરી માટે ફરજિયાત કસ્ટોડિયનની નિમણૂક કરવી પડશે. કૉમોડિટી ડેરિવેટિવ્ઝમાં ડિલિવરી માટે સેલર્સ ઓપ્શન પણ છે. 
સેબીએ એવી સ્કીમો ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે, જે કૉમોડિટીમાં રોકાણ કરવા માટે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ-એફપીઆઈ) સાથે સોદા કરતી હોય. આ એન્ટિટીઓને કૉમોડીટીમાં મંજૂરી મળે નહીં ત્યાં સુધી પ્રતિબંધ છે.
અત્યાર સુધીમાં સેબીએ કૉમોડિટી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ કરવા માટે કેટેગરી-3 અલ્ટરનેટિવ ઈનવેસ્ટમેન્ટ ફંડ અથવા હેજ ફંડ્સ, એલિજિબલ ફોરેન એન્ટિટી (ઈએફઈ)ને મંજૂરી આપી છે, જે ભારતીય કૉમોડિટી બજારમાં વાસ્તવિક એક્સપોઝર ધરાવતી હોય. કૉમોડિટીઝમાં એફપીઆઈને હજી મંજૂરી મળી નથી. 
ગોલ્ડ ઈટીએફને ગોલ્ડ ડિપોઝીટ સ્કીમ (જીડીએસ) અને ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ (જીએમએસ)માં ટ્રેડિંગ કરવા માટે મંજૂરી મળી છે. જીએમએસ સક્રિય છે, જ્યારે જીડીએસની પણ ભવિષ્યમાં જાહેરાત થઈ શકે છે. રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)એ પહેલાથી જ જીએમએસને મંજૂરી આપી છે.
કોટક એસેટ મૅનેજમેન્ટ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે કહ્યું કે, સેબીના પ્રોત્સાહન પછી મ્યુચ્યુઅલ ફંડ્સે કૉમોડિટી બજારમાં ટ્રેડિંગ કરવા માટે પોતાનો વ્યાપ વધારવો પડશે. સામાન્ય રીતે કોઈ પણ બજારમાં ભાગીદારી આર્બિટ્રેજ પોઝિશન દ્વારા થાય છે, પછી પોર્ટફોલિયો અને વ્યક્તિગત સિક્યુરિટી-સ્તરના રોકાણ દ્વારા વૈવિધ્યકરણ થાય છે.
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer