ઈવીએમ સામેનો વિરોધ એટલે જનાદેશનો અનાદર અમિત શાહ

ઈવીએમ સામેનો વિરોધ એટલે જનાદેશનો અનાદર અમિત શાહ
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 22 : લોકસભાની ચૂંટણીનાં પરિણામને જાહેર થવાના થોડા કલાક અગાઉ ભાજપપ્રમુખ અમિત શાહે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) સામે સવાલ ઉઠાવનારા રાજકીય પક્ષોની નિયત સામે પ્રશ્ન કર્યો હતો. ભાજપપ્રમુખે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઈવીએમનો વિરોધ જનતાના જનાદેશનો અનાદર છે.
ભાજપપ્રમુખે જણાવ્યું હતું કે પોતાના પરાજયથી હતાશ થયેલા 22 પક્ષોએ લોકતાંત્રિક પ્રક્રિયા સામે સવાલ ઉઠાવીને વિશ્વમાં અને દેશમાં આપણા લોકતંત્રની છબિને ઝાંખી પાડી છે. તેમણે જણાવ્યું હતું કે વિપક્ષોનો આ પ્રયાસ ભ્રમ ફેલાવવા માટેનો છે.
અમિત શાહે જણાવ્યું હતું કે ઈવીએમની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવનારા પક્ષોએ પણ આ જ ચૂંટણી પદ્ધતિથી અગાઉ વિજય મેળવ્યા છે. જો આ પક્ષોને ઈવીએમ પર વિશ્વાસ નથી તો વિજય બાદ સત્તાનાં સૂત્રો શા માટે સંભાળ્યાં હતાં? દેશની સર્વોચ્ચ અદાલતે ત્રણથી વધુ પીઆઈએલની નોંધ લીધા બાદ આ ચૂંટણી પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. જેમાં પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રમાં પાંચ વીવીપીએટીની ગણતરી કરવાનો આદેશ આપ્યો છે. તો શું તમે સર્વોચ્ચ અદાલતના આદેશ સામે પણ સવાલ કરી રહ્યા છો? એવો સવાલ અમિત શાહે કર્યો હતો.
અમિત શાહે જણાવ્યું હતું કે મતગણતરીના બે દિવસ પહેલાં 22 વિરોધપક્ષો દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પરિવર્તન કરવાની માગણી સંપૂર્ણ રીતે ગેરબંધારણીય છે. એક્ઝિટ પોલ બાદ વિપક્ષની આ માગણી તીવ્ર થઈ ગઈ છે. એક્ઝિટ પોલ ઈવીએમના આધારે નહીં પરંતુ મતદાતાને સવાલ કરીને કરવામાં આવે છે એટલે તમે એક્ઝિટ પોલના આધારે ઈવીએમની વિશ્વસનીયતા પર કેવી રીતે સવાલ ઉઠાવી શકો? એવો સવાલ અમિત શાહે કર્યો હતો.
આ ચૂંટણીપ્રક્રિયા પારદર્શી હોવાથી તેની સામે સવાલ કરવો ઉચિત નથી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે કેટલાક પક્ષો ચૂંટણી પરિણામ અનુકૂળ નહીં આવવા પર હથિયાર ઉઠાવવાની અને લોહીની નદીઓ વહેડાવવાની ધમકી આપી રહ્યા છે. વિપક્ષ બતાવે કે તે આવી ધમકીઓ દ્વારા કોને પડકાર ફેંકી રહ્યા છે? એવો સવાલ અમિત શાહે કર્યો હતો.
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer