આજે 17મી લોકસભાનો જનાદેશ

આજે 17મી લોકસભાનો જનાદેશ
અબકી બાર કિસકી સરકાર?

એક્ઝિટ પોલનાં અનુમાન પ્રમાણે મોદી ફરી સત્તા પર

542 બેઠકો માટે આશરે 8000 ઉમેદવાર

ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી વધારે મતદાન (67.11 ટકા) થયું

10.3 લાખ પોલિંગ સ્ટેશનમાંથી 20680માં EVM-VVPAT મેચિંગ કરાશે
 
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી તા.22: બે માસ કરતાં વધુ સમયથી સર્જાયેલી આતુરતા અને ઉત્કંઠાનો આવતીકાલે અંત આવશે. લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થવા સાથે જ ભારતનાં શાસન માટે ખેલાયેલા ભીષણ રાજકીય સમરાંગણની ચરમસીમા આવશે અને દેશનું સુકાન કોનાં હાથમાં સોંપવાનો જનાદેશ નાગરિકોએ આપ્યો છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. તમામ એક્ઝિટ પોલ અને સટ્ટાબજાર મોદી સરકારને સતત બીજીવાર સત્તારોહણ કરતી દેખાડી રહ્યા છે તો બીજીબાજુ વિપક્ષો આવા અનુમાનોને નકારીને મોરચા સરકાર રચવાનાં અવકાશની મીટ માંડીને બેઠા છે. ઈવીએમનાં જાદુઈ પટારામાંથી લોકચૂકાદો કોના તરફી આવશે તે હવે આવતીકાલ ગુરુવારે રાત સુધીમાં સ્પષ્ટ થવાનું છે ત્યારે સમગ્ર દેશની તાલાવેલીનાં ધબકારા તીવ્ર બની ગયા છે.
લોકસભા ચૂંટણીની મતગણતરી આવતી કાલે સવારે 8 કલાકે શરૂ થશે અને મોડી સાંજ સુધીમાં પૂર્ણ થવાની ધારણા રહે છે. વીવીપેટનાં મતપત્રોને ઈવીએમનાં મતો સાથે મેળવવાનાં હોવાને કારણે ચૂંટણી પરિણામો પાંચ-છ કલાક મોડા થશે. 542 બેઠકો માટે આશરે 8 હજાર ઉમેદવારો ઉભા છે. 90.99 કરોડ મતદારો પૈકી 67.11 ટકાએ, 7 તબકકામાં મતદાન કર્યું હતું. દેશની સંસદીય ચૂંટણીમાં મતદાનની આ ટકાવારી સૌથી વધુ છે.
લોકસભાની ચૂંટણીની મત ગણતરીમાં પહેલીવાર ચૂંટણી પંચ દરેક વિધાનસભા મત વિસ્તારના પાંચ મતદાન કેન્દ્રોના વૉટિંગ મશિનના મતો અને તેની સાથે જોડાયેલા વૉટર વેરિફાઇડ પેપર અૉડિટ ટ્રેઇલ (વીવીપીએટી)ની સ્લીપોના મતોની સરખામણી કરશે. એટલે કે દેશભરમાં મળીને લગભગ 10.3 લાખ મતદાન કેન્દ્રોના વૉટિંગ મશિનો અને વીવીપીએટીની સ્લીપોની સરખામણીનું કામ 20,600 મત ગણતરી કેન્દ્રો ખાતે કરાશે. વીવીપીએટીની સ્લીપો અને વૉટિંગ મશિનના મતો વચ્ચે તફાવત હશે એવા સંજોગોમાં સ્લીપોના મતો માન્ય રાખવામાં આવશે અને તેના આધારે પરિણામ જાહેર થશે. જો કે મત ગણતરીની પ્રક્રિયા પ્રમાણે પહેલા તો પોસ્ટલ બેલેટ્સની ગણતરી કરાશે. પોસ્ટલ બેલેટ્સમાં ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા નોકરિયાતો તેમ જ લશ્કર સહિતના સુરક્ષા દળોના જવાનો પોતાના મત પોસ્ટ દ્વારા આપે છે. આ પોસ્ટલ મતદાતાઓની સંખ્યા લગભગ 18 લાખ જેટલી છે, જેમાંથી આ વખતે 16.49 લાખ મતો પોસ્ટ થયા છે. આ મત ગણતરીમાં લગભગ બે કલાકનો સમય લાગશે. 
એક સિનિયર ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે આટલી મોટી સંખ્યામાં વૉટિંગ મશિનો અને વીવીપીએટી સ્લીપના મતોની સરખામણી માટે વધારાના ચારથી પાંચ કલાકનો સમય લાગશે. અત્રે ઉલ્લેખનીય છે કે તમામ વિરોધ પક્ષોએ વૉટિંગ મશિનો સાથે ચેડાંની ફરિયાદ ઉઠાવીને ચૂંટણી પંચ સમક્ષ મત ગણતરીમાં પારદર્શિતાના ખાતરી માગી હતી. અધિકારીના જણાવ્યા પ્રમાણે આ વખતે લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન થયાંનું નોંધાયું છે.
કેન્દ્રવર્તી ધોરણે ડેટા ઉપલબ્ધ ન હોઈ પંચે મતગણતરીમથકોની સંખ્યા હજી પૂરી પાડી નથી.
પ્રોસીજર મુજબ પોસ્ટલ મતો પ્રથમ ગણી લેવામાં આવશે.સર્વિસ મતદારોનો આંક 18 લાખ થવા જાય છે. તેમાં પોતાના મતવિસ્તારોની બહાર ફરજ પર મુકાયેલા સશત્ર દળો, કેન્દ્રિય પોલીસ દળ અને રાજય પોલીસના કર્મીઓનો સમાવેશ થાય છે. રાજદ્વારીઓ અને ભારતીય દૂતાવાસોમાંના સપોર્ટ સ્ટાફને ય સર્વિસ મતદાર ગણવામાં આવે છે. આ 18 લાખ પૈકી 16.49 મતદારોએ તેમના પોસ્ટલ મત સંબંધિત રીટર્નિંગ અધિકારીઓને તા. 17મી મેએ મોકલી આપ્યા હતા. (વીવીપેટની સ્લિપ્સ અંતે ગણવામાં આવશે.)
પ્રોસીજર મુજબ પહેલાં સ્લિપ્સ ગણવામાં આવશે અને પછી પરિણામ સરખાવી જોવા, મેળવી જોવા ઈવીએમ ડિસ્પ્લેમાં જવાશે. મિસમેચ (બંધબેસતું ન આવે ત્યાં)ના કેસમાં સ્લિપ્સ આધારિત પરિણામને ફાઈનલ અંતિમ ગણવામાં આવશે.ઈવીએમ-વીવીપેટ મેચિંગની સમગ્ર કવાયતને અતિરિકત ચારથી પાંચ કલાક લાગશે.
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer