વિશ્વકપમાં સૌથી યુવા ખેલાડી મુજીબ, સૌથી મોટી વયનો તાહિર

વિશ્વકપમાં સૌથી યુવા ખેલાડી મુજીબ, સૌથી મોટી વયનો તાહિર
ભારતીય ટીમની સરેરાશ વય 29.53

નવી દિલ્હી તા.24: ક્રિકેટના મહાકુંભ એટલે કે વિશ્વ કપમાં યુવા ખેલાડીઓથી લઇને અનુભવી ખેલાડીઓ તેમની છાપ છોડવા બેતાબ છે. આ વખતના વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાનો લેગ સ્પિનર ઇમરાન તાહિર સૌથી મોટી વયના ખેલાડી તરીકે અને અફઘાનિસ્તાનનો સ્પિનર મુજીબ ઉર રહેમાન સૌથી યુવા ખેલાડી તરીકે ઉતરશે. મુજીબ 18 વર્ષનો અને ઇમરાન 40 વર્ષનો છે. આ વખતના વર્લ્ડ કપમાં 13 ખેલાડી એવા છે કે જેમની ઉંમર 3પ વર્ષથી વધુ હોય. જેમાં સૌથી પહેલા ક્રમે આફ્રિકાનો ઇમરાન તાહિર છે. તેની વય 40 વર્ષ અને 57 દિવસની છે. આ પછી વેસ્ટ ઇન્ડિઝનો ક્રિસ ગેલ (39 વર્ષ અને 244 દિવસ), પાકિસ્તાનનો મોહમ્મદ હાફિઝ (38 વર્ષ અને 218 દિવસ), ભારતનો મહેન્દ્રસિંહ ધોની (37 વર્ષ અને 320 દિવસ) અને પાકિસ્તાનનો શોએબ મલિક (37 વર્ષ 111 દિવસ) છે.
જયારે સૌથી યુવા ખેલાડીમાં અફઘાનિસ્તાનનો મુજીબ ઉર રહેમાન 18 વર્ષ અને પ6 દિવસનો છે. આ પછી અફઘાનિસ્તાનનો જ ઇકરામ અલી ખિલ 18 વર્ષ અને 236 દિવસનો છે. પાકિસ્તાનનો શાહિન અફ્રિદી (19 વર્ષ 47 દિવસ), પાક.નો મોહમ્મદ હસનૈન (19 વર્ષ 48 દિવસ) અને પાક.નો શાદાબ ખાન (20 વર્ષ 231 દિવસ) એ પછીના ક્રમે આવે છે.
કેનેડાનો ઓપનર નીતિશકુમાર વર્લ્ડ કપમાં સૌથી નાની વયે રમવાનો રેકોર્ડ ધરાવે છે. તે જયારે 2011નો વર્લ્ડ કપનો મેચ રમ્યો ત્યારે તેની ઉંમર 16 વર્ષ, 9 મહિના અને 7 દિવસની હતી. જયારે સૌથી વધુ વયે વર્લ્ડ કપ રમવાનો રેકોર્ડ નેધરલેન્ડસના નોલાન કલાર્કના નામે છે. તે 1996ના વિશ્વ કપમાં 47 વર્ષ અને 240 દિવસની વયે રમ્યો હતો.
આ વખતે ભારતીય ટીમની સરેરાશ વય 29.53 છે. જે સૌથી વધુ છે. સૌથી મોટો ધોની (37 વર્ષ) અને સૌથી યુવા ખેલાડી કુલદિપ યાદવ (24 વર્ષ) છે.
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer