વન ડેમાં સૌથી પહેલા 500 રન ઇંગ્લૅન્ડ બનાવશે કોહલી

વન ડેમાં સૌથી પહેલા 500 રન ઇંગ્લૅન્ડ બનાવશે કોહલી
પાકિસ્તાન સામેનો મુકાબલો સામાન્ય મૅચ સમાન

લંડન, તા.24: ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીનું માનવું છે કે વન ડે ક્રિકેટમાં ઇંગ્લેન્ડ 500 રન કરનારી પહેલી ટીમ બની શકે છે. ઇંગ્લેન્ડના નામે પહેલેથી જ વન ડેમાં સૌથી વધુ રનનો રેકોર્ડ છે. ઇંગ્લેન્ડે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે 481 રન કર્યાં હતા. વર્લ્ડ કપ પૂર્વે ગઇ કાલે બધા કેપ્ટનોની એક સાથે મીડિયા કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કોહલીને પૂછાયું હતું કે ટૂર્નામેન્ટમાં 500ના આંકડાના સ્પર્શ થશે. ત્યારે કોહલીએ તેની બાજુમાં બેઠેલા ઇંગ્લેન્ડના સુકાની ઇયાન મોર્ગજ તરફ ઇશારો કરતા કહયું કે આ વસ્તુ આ લોકો પર નિર્ભર છે. મને લાગે છે બીજા કોઇ કરતા 500 રન પહેલા પહોંચવા આ ટીમ વધુ ઉત્સુક છે. કોહલીએ સ્વીકાર્યું કે આ વખતે ઘણા રન થશે. આમ છતાં વર્લ્ડ કપના દબાણને લીધે 260-270 રનના લક્ષ્યનો પીછો કરવો 370-380 રન કરવા જેવો મુશ્કેલ બનશે. આથી ટૂર્નામેન્ટની શરૂઆતમાં બધી ટીમો વધુ સાવચેત રહેશે. 
જ્યારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોને ફિંચે ઇંગ્લેન્ડ અને ભારતને સૌથી મજબૂત દાવેદાર બતાવ્યા હતા અને કહયું કે રાઉન્ડ રોબિન લીગ ફોર્મટને લીધે પ્રતિસ્પર્ધા ઘણી રહેશે. કોહલીએ પણ ફિંચની વાત પર સહમતી દર્શાવતા કહયું કે ઇંગ્લેન્ડની ટીમ સૌથી મજબૂત ટીમ તરીકે ઉતરશે.
બીજી તરફ પાકિસ્તાનના સુકાની સરફરાઝ અહેમદે ભારત સામેના 16 જૂને રમાનાર મેચ પર કહયું કે આ મુકાબલાની હંમેશા બધાને પ્રતિક્ષા રહે છે. તો કોહલીએ કહયું અમારા માટે આ મુકાબલો પણ બીજા મેચ જેવો સામાન્ય હશે. શરૂમાં દબાણ હોય છે, પણ પછી તેની અસર રહેતી નથી. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ કપમાં કુલ 6 મેચમાં ટકકર થઇ છે. જે તમામમાં ભારતની જીત નોંધાઇ છે.
જોફ્રા આર્ચર એક્સ ફેકટર બની શકે છે
ભારતીય સુકાની વિરાટ કોહલીનું માનવું છે કે ઇંગ્લેન્ડનો કેરેબિયન મૂળનો ઓલરાઉન્ડર જોફ્રા આર્ચર વર્લ્ડ કપનો એકસ ફેકટર સાબિત થઇ શકે છે. આર્ચર હજુ ફકત ત્રણ વન ડે જ રમ્યો છે. તે ચુસ્ત બોલિંગને લીધે ટી-20માં સારો સફળ રહયો છે. કોહલીએ કહયું તે શાનદાર ખેલાડી છે. વિશ્વ કપમાં તેને જોવા રોમાંચક બની રહેશે. જોફ્રાએ કહયું હતું કે તે વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની વિકેટ લેવા માગે છે.
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer