મોદી મેજિકના તાલે ફરીથી ઝૂમતું શૅરબજાર

મોદી મેજિકના તાલે ફરીથી ઝૂમતું શૅરબજાર
બૅન્કો અને નાણાં સંસ્થાઓમાં લેવાલી : સેન્સેક્ષ 623 પૉઈન્ટ વધ્યો
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : શૅરબજારે નરેન્દ્ર મોદીની આગેવાની નીચે ભાજપના ઐતિહાસિક વિજયની આજે ફરીથી ઉજવણી કરી હતી. ગઈ કાલે જોવાયેલી નફારૂપી વેચવાલીથી નરવા બનેલા શૅરબજારમાં આજે એનએસઈ ખાતે નિફટી પુન: 187 પૉઈન્ટ ઉછાળે 11844 બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષ નીચા મથાળેથી 623 પૅઈન્ટ વધીને 39,435 બંધ રહ્યો હતો. અગાઉ બેરલ દીઠ 72 ડૉલરે પહોંચેલ ક્રૂડ ઘટીને 68 ડૉલર થવાથી તેલ માર્કેટિંગ અને વાહન શૅરમાં સુધારો હતો. આજના શૅરબજારના સુધારામાં મુખ્ય નાણાસેવા, બૅન્કિંગ, જાહેર બૅન્કો સહિત તમામ ક્ષેત્રવાર ઈન્ડેક્સ આઈટી સિવાય 1થી 4 ટકા સુધારે બંધ હતા. વીઆઈએકસ (વોલિટાલિટી ઈન્ડેક્સ) 2 પૉઈન્ટ ઊંચે હતો. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.14 અને 1.45 ટકા વધ્યા હતા.
એશિયા અને અમેરિકાનાં શૅરબજારો ચીન-અમેરિકાના વેપારયુદ્ધના તણાવે સતત ઘટાડે હોવા છતાં ભારતનાં શૅરબજારમાં સટ્ટાકીય તોફાન જામ્યું છે. આજના સુધારામાં અગ્ર ભાગે સુધરનાર શૅરમાં મારુતિ સુઝુકી રૂા. 164, લાર્સન રૂા. 38, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૂા. 21, ટિસ્કો રૂા. 19, મહેન્દ્ર રૂા. 26, એચડીએફસી રૂા. 42, એક્સિસ રૂા. 16, એસબીઆઈ રૂા. 13, ઈન્ડસઈન્ડ રૂા. 50, જેએસડબ્લ્યુ રૂા. 12, વેદાન્તા રૂા. 6 અને તાતા મોટર્સ રૂા. 7 વધ્યા હતા.
આજના સુધારામાં નિક્કીના 44 શૅર વધવા સામે માત્ર છ શૅરના ભાવ ઘટાડે હતા. પીએસયુ બૅન્કેક્સ 5.6 ટકા વધ્યો હતો. વ્યક્તિગત શૅરમાં જેએમસી પ્રોજેક્ટ 15 ટકા અને કેઈઆઈમાં સતત પાંચ દિવસનો સુધારો (5.6 ટકા) આગળ વધ્યો હતો.
ટેક્નિકલી છેલ્લા ત્રણ દિવસની મોટી વધઘટ છતાં નિફટીમાં 11910ની મુખ્ય પ્રતિકાર સપાટી ઉપર બંધ આવ્યો નથી. જોકે, આગામી દિવસોમાં નવા નાણાપ્રધાન, ઉદ્યોગ અને વાણિજય પ્રધાનની નિમણૂકને જોઈને બજારના સટોડિયા જૂન મહિનાનો ખેલો ગોઠવશે એમ બજાર સૂત્રો માને છે. જેથી હજુ જૂનના પ્રથમ અઠવાડિયા સુધી બજારમાં તીવ્ર અને ક્ષેત્રવાર વધઘટનો તોફાની તબક્કો ચાલુ રહેશે.
એશિયાનાં બજારો
ચીન-અમેરિકાના ટ્રેડ તણાવને ધ્યાને લઈને એશિયામાં હૉંગકૉંગ ખાતે હૅંગસૅંગ 87 પૉઈન્ટ ઘટયો હતો. શાંઘાઈ ઈન્ડેક્સ સ્થિર રહ્યો હતો. જપાન ખાતે નિક્કી 34 પૉઈન્ટ અને અમેરિકાનો મુખ્ય નાસ્દાક ઈન્ડેક્સ 123 પૉઈન્ટ ઘટયો હતો.
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer