રાઈટ ઈસ્યૂ માટે અખબારોમાં જાહેરખબર આપવાની જરૂર કદાચ નહીં પડે

રાઈટ ઈસ્યૂ માટે અખબારોમાં જાહેરખબર આપવાની જરૂર કદાચ નહીં પડે
સમય ઘટાડીને 31 દિવસ કરવાની વિચારણા

નવી દિલ્હી, તા. 24 : બજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઈન્ડિયા (સેબી)એ રાઈટ ઈસ્યૂ માટેનો સમય ઘટાડીને 31 દિવસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે અત્યારે 55થી 58 દિવસનો છે.
સેબીએ કહ્યું કે, રાઈટ ઈસ્યૂ શરૂ થવા પહેલાનો તબક્કો અને ઈસ્યૂ બંધ કરવાના સમયમાં ઘટાડો કરવાની જરૂર છે, જેથી શૅરધારકોને  પ્રક્રિયાનો લાભ મળે. ઉપરાંત નિયામકે રાઈટ ઈસ્યૂ માટે અખબારોમાં જાહેરખબર આપવાની જરૂરિયાતને બદલે શૅરહોલ્ડર્સને ફક્ત શૅરબજારો અને ઈ-મેઈલ દ્વારા જાણ કરવાનો પ્રસ્તાવ પણ 
મૂક્યો છે. 
સેબીએ કહ્યું કે, રાઈટ ઈસ્યૂની પ્રક્રિયાના સમયમાં ઘટાડો કરવાથી ભાવ જોખમમાં ઘટાડો થશે. વધુમાં બૅન્કિંગ અને ડિપોઝિટરી ઈન્ફ્રાસ્ટ્રકચરના ઉપયોગથી અરજી અને ફાળવણી પ્રક્રિયા વધુ વ્યવસ્થિત બનશે અને ઈસ્યૂ લાવનારી કંપનીની પણ ભંડોળ એકત્ર કરવા માટે વ્યવસ્થિત માળખુ બનશે. પ્રક્રિયાને સરળ બનાવીને ખર્ચમાં ઘટાડો કરવાનો પણ હેતુ છે. 
સેબીએ રેકર્ડ ડેટ પણ સાત દિવસથી ઘટાડીને ત્રણ દિવસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઈસ્યૂની જાહેરાત કરવાથી રાઈટ ઈસ્યૂના ખર્ચમાં વધારો થાય છે. આથી દરેક જાહેરાત શૅરબજાર દ્વારા કરવી જોઈએ. તેમ જ કંપનીઓએ શૅરધારકો સાથે સંપર્ક સાધવા માટે ઈલેકટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરવો જોઈએ. સેબીએ સૂચવ્યું છે કે, રાઈટ ઈસ્યૂ સંબંધિત કામકાજ માટે એએસબીએ (એપ્લિકેશન્સ સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ)ની ચુકવણી પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે. આ પ્રણાલીથી ઈસ્યૂ પછીની પ્રક્રિયા જલદી પૂરી થશે. પરિણામે ઈસ્યૂ પછીના સમયમાં 11 દિવસ જેટલો ઘટાડો થઈ શકે છે.
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer