ખેડૂતોનાં સશક્તીકરણ થવાથી અનેક કૉમોડિટીઝના ભાવ વધશે

ખેડૂતોનાં સશક્તીકરણ થવાથી અનેક કૉમોડિટીઝના ભાવ વધશે
બજારને અપેક્ષા છે કે સરકાર સીટીટી દૂર કરે

આઈએમસી, ચેમ્બર, એમસીએક્સ દ્વારા આયોજિત સેમિનારમાં નિષ્ણાતોનું મંતવ્ય

ક્રિશ્ના શાહ તરફથી
અમદાવાદ, તા. 24 : આઈએમસી ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રી અને એમસીએક્સ ઈન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફંડ દ્વારા કૉમોડિટી માર્કેટ્સ ફંડામેન્ટલ્સ વિશે અમદાવાદમાં યોજાયેલા સેમિનાર દરમિયાન આઈએમસીના ઈકોનોનોમિક એડવાઇઝર જી. ચંદ્રશેખરે વ્યાપારને કહ્યું કે ફરી ચૂંટાઈ આવેલી મોદી સરકારના મુખ્ય ચાર એજન્ડા હશે.  આ સરકારની પ્રાથમિકતામાં ટોચના સ્થાને મંદ પડી રહેલી આર્થિક વિકાસ વેગ પકડે તેવી નીતિ અને કાર્યક્રમો ઘડવાનો મુદ્દો હોવો જોઈએ. બીજા ક્રમે રોકાણો હોવાં જોઈએ. નવી સરકારે આર્થિક, રાજકીય અને સામાજિક સહાયક નીતિઓ દ્વારા ઘરઆંગણાંનાં તેમ જ વિદેશી બંને પ્રકારનાં રોકાણો આકર્ષવાની જરૂર છે. જ્યાં સુધી રોકાણો નહીં આવે ત્યાં સુધી આર્થિક વિકાસ માત્ર સ્વપ્નવત્ બની રહેશે. 
ત્રીજો સૌથી મહત્ત્વનો મુદ્દો રોજગાર સર્જનનો રહેશે. છેલ્લાં બે વર્ષમાં રોજગાર સર્જનમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને કૃષિ અને એસએમઈ સેક્ટરમાં રોજગાર સર્જન ઉપર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ચોથો મુદ્દો ફુગાવા ઉપર અંકુશનો છે. સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને તેની સીધી અસર થાય છે. નવેસરથી રચાનારી મોદી સરકારે ફુગાવાને સીધી અસર કરી રહેલા ક્રૂડ અૉઈલના વધતા ભાવ, ચોમાસાની અનિશ્ચિતતા જેવાં પરિબળો સામે રક્ષણ આપતી નીતિ અને કાર્યક્રમો ઘડવા આવશ્યક છે. 
ચંદ્રશેખરે ઉમેર્યું હતું કે આર્થિક વિકાસ ઉપરાંત સામાજિક વિકાસનો મુદ્દો ધ્યાન ઉપર લેવો ખૂબ જરૂરી છે. ઉદારીકરણ અને વૈશ્વિકરણના લાભ દેશમાં સમાન રીતે વહેંચાયા નથી. આર્થિક વિકાસ છે, પરંતુ સામાજિક વિકાસ નથી. હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ભારતનું સ્થાન ખૂબ નીચે અને ગ્લોબલ હંગર ઈનેડક્સમાં ઘણું ઊંચે છે. દેશમાં સમાંતર-અર્થતંત્ર છે. સરકારે કૃષિ ક્ષેત્રે વધુ સંવેદનશીલ અભિગમ અપનાવવાની જરૂર છે. આ ક્ષેત્રને નીતિ, સંશોધન, રોકાણ જેવી બાબતોમાં સરકારનો યોગ્ય સપોર્ટ નથી મળી રહ્યો. દેશમાં 50 ટકા લોકો કૃષિ મારફતે રોજગાર મેળવી રહ્યા હોવા છતાં જીડીપીમાં આ ક્ષેત્રનો હિસ્સો ફક્ત 14 ટકા છે. આ રેશિયો સંતુલિત કરવા આગામી 10 વર્ષ સુધી દર વર્ષે ચાર ટકાના દરે કૃષિ ક્ષેત્રનો વિકાસ અનિવાર્ય છે. કૃષિ ક્ષેત્રે માળખાકીય સમસ્યાઓનું નિવારણ જરૂરી છે. 
કોમટ્રેન્ડ્ઝ રિસર્ચના ડિરેક્ટર ટી. જ્ઞાનશેખરે એનડીએ સરકાર પાસેથી કૉમોડિટી માર્કેટ કૉમોડિટી ટ્રાન્ઝેક્શન ટૅક્સ (સીટીટી) હટાવવાની અપેક્ષા રાખે છે. કેમકે આ ટૅક્સ કૉમોડિટીઝ અને ડેરિવેટિવ્ઝ માર્કેટનો સૌથી મોટો અવરોધ છે. મોટાભાગની કૉમોડિટીઝના ભાવ વધશે. કેમકે ખેડૂતો આર્થિક સશક્ત બન્યા છે. આ સારી બાબત છે, પરંતુ તેનાથી ખેડૂતોને ઉત્પાદનો સંગ્રહવાની ક્ષમતા વધી છે. એટલે તે સારો ભાવ મળે તેની રાહ જોશે. આનાથી આગામી બે - ત્રણ વર્ષ ગ્રાહકો-વપરાશકારો માટે મુશ્કેલ બનશે. સરકારે જે રીતે વચનો આપ્યાં છે, એ પાળવાથી ખાધ વધશે. આ ખાધને પહોંચી વળવા સરકાર વેરા વધારશે. કૃષિ કૉમોડિટીઝનું બજાર સુધરશે. વપરાશકારોને ભોગે ખેડૂતોને લાભ થશે. 
રોકાણકારો અને વેપારીઓએ કૃષિ ક્ષેત્ર અને કૃષિ સંબંધિત ક્ષેત્રો ઉપર ધ્યાન રાખવું જોઈએ. આગામી એકાદ-બે વર્ષમાં આ ક્ષેત્રોમાં રોકાણ લાભદાયક નીવડી શકે છે. પરંતુ બૅન્કિંગ અને ફાઈનાન્સ ક્ષેત્રે ઘણી સમસ્યાઓ છે અને તેમાં રોકાણ સમયે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. કૃષિ ક્ષેત્રે સારો વિકાસ થતાં અર્થતંત્ર વધુ મજબૂત બનશે અને તેના પગલે બુલિયન માર્કેટ પણ સુધરશે. 
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer