સુરતમાં સો મણનો સવાલ બાળકોનાં મૃત્યુ બદલ કોણ જવાબદાર?

સુરત,તા.24 : રાજયનાં બીજા નંબરના સૌથી મોટા શહેરમાં આડેધડ થયેલાં બાંધકામમાં ફાયર સેફટીનાં નામે મીંડુ છે. ફાયર સેફટીના અભાવે ધમધમતા કોચીંગ કલાસીસમાં અગાઉ પણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. પરંતુ અત્યાર સુધી તપાસનાં નામે ફાઇલો બનાવવામાં આવે છે પરંતુ, જવાબદારો સામે કડક પગલા લેવામાં આવતા નથી. આજે બનેલી ઘટનામાં 19 બાળકોનાં મોત નીપજયા છે.
બાળકોએ પોતાના જીવ બચાવવા માટે કોમ્પલેક્ષના ચોથા માળેથી કુદકા લગાવવા પડયા હતા. કોમ્પલેક્ષમાં પહેલેથી જ ફાયરના હતા તો તે ચાલતી કન્ડીશનમાં હતા કે કેમ તે તપાસનો વિષય છે. હાલમાં તો સુરતની ઘટનાને લઇને રાજય સરકારથી લઇ વહીવટી અધિકારીઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા હોય તેવું લાગી રહ્યું છે. રાજય સરકારે તપાસના આદેશ આપી દીધાનું જાહેર કરી દીધું છે. જયારે મનપા કમિશ્નરે ફાયર સેફટીના સાધનો વગર ચાલતાં કોમ્પલેક્ષો સામે કડક કાર્યવાહી કરવામાં જ આવતું હોવાનું રટણ કર્યું છે.
લાખ રૂપિયાનો સવાલ છે કે આજની અતિ દુ:ખદ ઘટનામાં 19 લોકોનાં મોત માટે જવાબદાર કોણ? શું માત્ર બેથી ત્રણ દિવસ તપાસના નામે મનપા ફરી એક વખત શોપીંગ કોમ્પલેક્ષો અને નિયમોને નેવે મુકીને ચાલતા કોચીંગ કલાસોને નોટીસ આપીને સંતોષ માનશે કે પછી ખરા અર્થમાં ફાયર સેફટીના મામલે કડક કાર્યવાહી કરશે.
આગની દુર્ઘટનાને લઇને પાલિકાના કમિશનર એમ. થૈન્નારસન અને મેયર જગદીશ પટેલ વિરૂધ્ધ આ દુર્ઘટનાને લઇને કોઇ પગલાં લેવાશે કે પછી દરેક ઘટનાની જેમ ભીનું સંકેલી લેવામાં આવશે? તેવા પ્રશ્ન પણ જાગ્યા છે.
વરાછા અને કાપોદ્રા ફાયરબ્રિગેડ પાસે પુરતા સાધનો નહોતાં. સૌ પ્રથમ જે ફાયરબ્રિગેડ પહોંચ્યું તે પુરતી તૈયારી સાથે નહોતું આવ્યુ માત્ર આગ બુઝાવવા જ આવેલુ. કોઇ બચાવ કરી શકાય તેવા સાધનો ફાયર પાસે નહોતા. હાઇડ્રોલિક હતી તે સમયસર ખુલી નહોતી. હાઇડ્રોલિકને રિંગરોડ સ્થિત ફાયર સ્ટેશનથી મંગાવવામાં આવ્યું હતું. ફાયરબ્રિગેડે અગાઉ ટ્રેનિંગ આપી હતી તે કુદવા માટેની જાળ જ ઘટના સ્થળે લઇ જવાઇ નહોતી.
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer