ગુજરાતની શાળાઓમાં હવે નવરાત્રિ વૅકેશન નહીં ?

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.24: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિ આ વખતે રાજ્યમાં શાળાઓમાં નવરાત્રિનું વૅકેશન રદ કરી શકે છે. ગુજરાતમાં ગયા વર્ષે નવરાત્રિ પર વૅકેશન આપવાની જાહેરાત કરાઇ હતી અને તેનો અમલ પણ કરાયો હતો. ગત નવરાત્રિએ સરકારે વૅકેશન આપીને દિવાળી વૅકેશન ટૂંકાવીને 14 દિવસનું આપ્યું હતું. જોકે,  સરકારના આ નિર્ણય બાદ પણ અનેક શાળાઓએ નવરાત્રિ દરમિયાન શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચલાવ્યું હતું. એટલું જ નહીં જે શાળાઓમાં વૅકેશન આપવામાં આવ્યું હતું ત્યાંના વાલીઓએ પણ વિરોધ કર્યો હતો કેમ કે નવરાત્રિ વૅકેશન બાદ જ પરીક્ષાઓ શરૂ થતી હતી. જેના કારણે પરિવાર અને બાળકો બન્ને નવરાત્રિ યોગ્ય રીતે ઊજવી શકતા ન હતા. 
તો બીજી બાજુ રાજ્ય સરકારે નવરાત્રિ વૅકેશન જાહેર કરીને દિવાળી વૅકેશનમાં કાપ મૂકી દેતા અનેક શહેરોમાં ભારે વિરોધ થયો હતો. અચાનક દિવાળી વૅકેશન કપાતા વૅકેશનનું આયોજન ખોરવાયું હતું. 
દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચૅરમૅન એ.જે.શાહે જણાવ્યુ ંહતુ ંકે, નવરાત્રિનું વૅકેશન રદ કરવા અંગેની દરખાસ્ત આવી છે . જોકે, આ દરખાસ્ત ઉપર સોમવારે બેઠક થયા બાદ ચર્ચા વિચારણા કરવામાં આવશે. નવરાત્રિ વૅકેશન રદ કરવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer