ભાજપ-શિવસેના 31 વિધાનસભા ક્ષેત્રમાં આગળ

કૉંગ્રેસ-રાષ્ટ્રવાદીને માત્ર મુંબાદેવી, ભાયખલા, ધારાવી, બાંદ્રા (પૂ.) અને માનખુર્દની બેઠકો ઉપર સરસાઈ

કેતન જાની તરફથી
મુંબઈ, તા. 24 : મુંબઈમાં લોકસભાની છ બેઠકો ઉપર ભાજપ-શિવસેનાની યુતિએ જવલંત વિજય હાંસલ કર્યો છે. ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીતરફી જુવાળ એટલો જબરદસ્ત છે કે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસને માત્ર પાંચ વિધાનસભા ક્ષેત્રોમાં જ હરીફ ઉમેદવારો સામે સરસાઈ મેળવી શકયા છે.
ઉત્તર મુંબઈની બેઠક ઉપર ભાજપના સાંસદ ગોપાળ શેટ્ટીએ 7,06,678 મત મેળવ્યા છે. તેમની સામે ઊર્મિલા માતોંડકરને માત્ર 2,41,431 મત મળ્યા છે. આ બેઠક શેટ્ટીએ 4,65,247 મતની સરસાઈથી જીતી છે. આ મતવિસ્તારમાં બધા છ વિધાનસભા ક્ષેત્રોમાં ભાજપને કૉંગ્રેસ સામે સરસાઈ મળી છે. વિધાનસભાની મલાડ (વે.)ની બેઠક કૉંગ્રેસના અસ્લમ શેખ પાસે છે.
વાયવ્ય મુંબઈની બેઠક શિવસેનાના સાંસદ ગજાનન કીર્તિકર કૉંગ્રેસના સંજય નિરૂપમ સામે 2,59,501 મતથી જીતી ગયા છે. કીર્તિકરને 5,69,018 અને નિરૂપમને 3,09,517 મત મળ્યા છે. બધાં વિધાનસભા ક્ષેત્રોમાં કીર્તિકરને સરસાઈ મળી છે.
ઉત્તર મધ્ય મુંબઈની બેઠકમાં ભાજપનાં સાંસદ પૂનમ મહાજને કૉંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ પ્રિયા દત્તને 1,29,517 મતની સરસાઈથી હરાવ્યા છે. મહાજનને 4,85,815 અને દત્તને 3,56,298 મત મળ્યા હતા. બાંદ્રા (પૂર્વ) વિધાનસભા ક્ષેત્રમાં પ્રિયા દત્તને 60,265 અને મહાજનને 58,989 મત મળ્યા હતા. આ વિધાનસભાનું પ્રતિનિધિત્વ શિવસેનાનાં તૃપ્તિ સાવંત કરે છે. તે સિવાયનાં પાંચેય વિધાનસભા ક્ષેત્રોમાં ભાજપને સારી સરસાઈ મળી છે. ચાંદીવલીની બેઠક કૉંગ્રેસના નસીમ ખાન પાસે છે, તેમાં પણ ભાજપને લગભગ 27,000 મતોની સરસાઈ મળી છે.
ઈશાન મુંબઈના ભાજપના મનોજ કોટકને 5,14,599 અને રાષ્ટ્રવાદીના ભૂતપૂર્વ સાંસદ સંજય પાટીલને 2,88,113 મત મળ્યા હતા. તેથી કોટકની 2,26,486 મતોની જંગી સરસાઈથી જીત થઈ છે. માત્ર માનખુર્દ-શિવાજીનગર વિધાનસભા ક્ષેત્રમાં કોટકને 34,420 અને સંજય પાટીલને 79,482 મત મળ્યા હતા. આ બેઠક હાલ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આસીમ આઝમી પાસે છે. તે સિવાયનાં પાંચેય વિધાનસભા ક્ષેત્રોમાં રાષ્ટ્રવાદી કરતાં ભાજપ આગળ રહ્યો છે.
દક્ષિણ મધ્ય મુંબઈમાં શિવસેનાના સાંસદ રાહુલ શેવાળે વિરુદ્ધ કૉંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એકનાથ ગાયકવાડ વચ્ચે મુકાબલો હતો તેમાં શેવાળેને 4,24,913 અને ગાયકવાડને 2,72,774 મત મળ્યા છે. તેથી શેવાળે 1,52,139 મતથી જીતી ગયા છે. ધારાવીનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કૉંગ્રેસનાં વર્ષા ગાયકવાડ કરે છે. તેઓ એકનાથ ગાયકવાડનાં દીકરી અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન છે. ધારાવીમાં શેવાળેને 48,932 અને ગાયકવાડને 57,923 મત મળ્યા છે. આ બેઠક ઉપર કૉંગ્રેસને શિવસેના કરતાં નવ હજાર મત વધુ મળ્યા છે. વડાલામાં કૉંગ્રેસના કાલિદાસ કોળંબકર વિધાનસભ્ય છે, પણ તેમણે ચૂંટણીમાં ખુલ્લેઆમ શિવસેનાનો પ્રચાર કર્યો હતો ત્યાં શિવસેનાને 40,000 મતની સરસાઈ મળી છે.
દક્ષિણ મુંબઈમાં કૉંગ્રેસના મિલિન્દ દેવરાને 3,21,870 અને શિવસેનાના અરવિંદ સાવંતને 4,21,937 મત મળ્યા છે, તેથી સાવંત 1,00,067 મતના તફાવતથી વિજયી થયા છે. મુંબાદેવી અને ભાયખલામાં કૉંગ્રેસને અનુક્રમે 73,838 અને 76,302 મત મળ્યા છે. કૉંગ્રેસને મુંબાદેવીમાં લગભગ 35 હજાર અને ભાયખલામાં લગભગ 29 હજાર મતોની સરસાઈ મળી છે. મુંબાદેવીની બેઠક કૉંગ્રેસ અને ભાયખલાની બેઠક એમઆઈએમ પાસે છે.
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer