સુષમા માટે પાકિસ્તાને ખોલ્યો હવાઇ માર્ગ

મોદીને ફરી સત્તા સંભાળતા જોતા બદલાઇ ગયા સૂર : નરમાશના સંકેતો આપ્યા
 
ઈસ્લામાબાદ, તા. 24 : નરેન્દ્ર મોદીને ફરીથી સત્તા સંભાળતા જોતાંની સાથે જ પાડોશી પાકિસ્તાનના સૂર બદલાઈ ગયા છે.  નવા ઘટનાક્રમમાં પાકિસ્તાને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ માટે પોતાનો હવાઈમાર્ગ ખોલ્યો છે. સ્વરાજને એસસીઓ બેઠક માટે કિર્ગિઝસ્તાનની રાજધાની બિશ્કેક જવાનું હતું.
બિશ્કેક જવા માટે પાકિસ્તાન હવાઈ સીમામાંથી જવું પડે તેમ હતું અને આ માટે પાકિસ્તાને પોતાની અનુમતિ આપી હતી.
ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના પુલવામા આતંકવાદી હુમલા બાદ બંને દેશ વચ્ચેના સંબંધ તંગ છે. પરંતુ મોદીના ફરી સત્તા સંભાળવાના સંજોગોને ધ્યાને રાખીને હવે પાકિસ્તાન પોતાના વલણમાં નરમાશના સંકેતો આપી રહ્યું છે. પહેલા સંકેતમાં તેણે વિદેશમંત્રી સ્વરાજને બિશ્કેક જવા માટે પોતાનો હવાઈમાર્ગ ખોલી આપ્યો છે. તંગ માહોલ વચ્ચે પાકિસ્તાને ભારત માટે પોતાની હવાઈસીમા બંધ કરી રાખી છે.
આ પહેલાં પાકિસ્તાન અને ભારતના સંબંધોમાં ભારે તંગદિલી વચ્ચે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને તેમના પાકિસ્તાની સમકક્ષ શાહ મહમૂદ કુરેશીએ બુધવારે આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની બેઠકમાં એક-બીજાનું અભિવાદન કર્યું હતું અને કિર્ગિઝ રાષ્ટ્રપતિથી સંયુક્ત મુલાકાત દરમ્યાન બંને નેતા એક-બીજાની બાજુમાં બેઠેલા પણ નજરે પડયા હતા.
સુષ્મા સ્વરાજ અને શાહ મહમૂદ કુરેશીએ એસસીઓ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. રૂસ, ચીન, કિર્ગિઝસ્તાન, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉજબેકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિઓએ 2001માં શાંઘાઈમાં શિખર સંમેલનમાં એસસીઓની રચના કરી હતી.
પાકિસ્તાની મીડિયાએ જણાવ્યું હતું કે, બંને નેતા એસસીઓની બેઠક દરમ્યાન આજુ-બાજુમાં બેઠા હતા. પાકિસ્તાની મીડિયાએ સુષ્મા-કુરેશી સાથે બેઠા હોય તેવા ફોટો પણ પ્રસિદ્ધ કર્યા હતા. સુષ્મા-કુરેશી બેઠક અંગે વિદેશમંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને નેતાઓએ માત્ર એક-બીજાનું અભિવાદન ઝીલ્યું હતું. તેમના વચ્ચે કોઈ બેઠક યોજાઈ ન હતી. બંને નેતાઓની તસવીર કિર્ગિઝ રાષ્ટ્રપતિ સૂરોનબે જીનબેકોવ સાથેની સંયુક્ત મુલાકાતની છે.
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer