ગુજરાતમાં ભાજપને જબ્બર લીડ છતાં ચાર લાખ મત નોટામાં પડયા !

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 24 : મોદી મેજિક છવાતા ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપે છપ્પર ફાડ લીડ મેળવી છે છતાં પણ કુલ 4,00,941 મત નોટામાં પડયા છે! આશ્ચર્યની વાત એ છે કે, ગુજરાતનાં મુખ્ય ચાર શહેર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની સમજુ અને ભણેલીગણેલી પ્રજાએ નહીં, પણ આદિવાસી વિસ્તારોની પ્રજાએ નોટામાં સૌથી વધુ મત આપ્યા છે! નન અૉફ ધ અબોવ (નોટા)નો અર્થ ઉપર ઉલ્લેખિત ઉમેદવારોમાંથી કોઈ નહીં થાય છે.
પરિણામો ઉપર નજર નાખીએ તો, રાજ્યના 2.89 કરોડ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી 1.38 ટકા મતો નોટામાં પડયા છે અર્થાત્ 4,00,941 મત નોટામાં પડયા છે. જેમાં છોટા ઉદેપુરની બેઠક પર સૌથી વધુ 32,868, પંચમહાલ બેઠક પર 31,936, દાહેદ બેઠક પર 30,987, વલસાડમાં 19,307 તેમ જ બારડોલીમાં 22,914 મત નોટામાં પડયા છે. જોકે, નોટામાં પડેલા મતોને લઇને 26 બેઠકો પર હારેલા ઉમેદવારોના મતોની સરસાઇ પર કોઇ અસર પડે તેમ નથી. તેના કારણમાં રાજ્યની 26 લોકસભા બેઠક પર ભાજપના તમામ 26 લોકસભા બેઠકના ઉમેદવારોએ 1.27 લાખથી લઇને 6.89 લાખની લીડ મેળવીને જીત્યા છે.
દરમિયાન રાજ્યમાં 2019માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં છેલ્લાં કેટલાંય વર્ષોના મતદાનનો રેકર્ડ તોડીને 64 ટકા જેટલું મતદાન થવા પામ્યું હતું. એટલે કે 2,89,29,853 લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.  આજે સત્તાવાર પરિણામ આવ્યાં બાદ 1.38 ટકા જેટલા મતો અર્થાત્ 4,00,941 મતો નોટામાં પડવા પામ્યા હતા. એવું કહી શકાય કે ભાજપના બે સાંસદોની લીડનો સરવાળો અને નોટાની 26 બેઠકોનો સરવાળો લગભગ એક સરખો જ થવા જઇ રહ્યો છે.
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer