હવે સરકાર રચના પર સૌની નજર

શું અમિત શાહનો કૅબિનેટમાં સમાવેશ કરાશે?
 
જોકે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેઓ પક્ષપ્રમુખપદે જ રહે એવું ઇચ્છે છે

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 24 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ એનડીએએ સતત બીજી વાર સત્તા પ્રાપ્ત કરવાની સાથે હવે નવી સરકારની રચના પર સૌની નજર છે અને એવી અટકળો થઈ રહી છે કે પક્ષપ્રમુખ અમિત શાહ સહિત ઘણા નવા ચહેરાઓને નવી કૅબિનેટમાં સમાવી લેવામાં આવશે.
રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે ગાંધીનગરની બેઠક પરથી જંગી મતોથી જીતનારા પક્ષપ્રમુખ અમિત શાહને ગૃહ કે સંરક્ષણ મંત્રાલય જેવું મહત્ત્વનું ખાતું આપવામાં આવશે. જોકે, અમિત શાહ અંગેનો આવો કોઈ પણ નિર્ણય વડા પ્રધાન અને આરએસએસના ટોચના નેતાઓ વચ્ચેની બેઠક બાદ લેવામાં આવે એવી સંભાવના છે. જોકે, આરએસએસનો એવો અભિપ્રાય છે કે અમિત શાહને ભાજપના પ્રમુખ તરીકે ચાલુ રાખવા જોઈએ, કારણ કે અમિત શાહની અસાધારણ સંગઠન કુશળતાને કારણે ભાજપનો વ્યાપ વધ્યો છે. સરકારમાં જોડાવા અંગે અમિત શાહે પણ સવાલોના જવાબ નકારતાં આ બાબત પક્ષ અને વડા પ્રધાનનો અધિકાર હોવાનું જણાવ્યું હતું. આજની કૅબિનેટની બેઠક બાદ વડા પ્રધાને પ્રધાનોનાં રાજીનામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સુપરત કર્યાં હતાં જેનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો હતો.
16મી લોકસભાના વિસર્જનની ભલામણ કરવામાં આવી હતી. પ્રક્રિયાને અનુસરતા ચૂંટણી પંચ નવા ચૂંટાયેલા સાંસદોની યાદી રાષ્ટ્રપતિને સુપરત કરશે જેઓ ત્યાર બાદ 17મી લોકસભાનું ગઠન કરશે અને વડા પ્રધાનની શપથવિધિ કરાવશે.
ભાજપના વરિષ્ઠ નેતા અને અરુણ જેટલીને તેમની તબિયતને જોતા નાણાપ્રધાન તરીકે ચાલુ રાખવા કે નહીં એ અંગે મોટો નિર્ણય લેવો પડશે અને જેટલીને બદલે કદાચ આ હોદ્દા માટે પીયૂષ ગોયલના નામ પર વિચારણા થઈ શકે છે. અગાઉ જ્યારે જેટલી બીમાર હતા ત્યારે ગોયલે આ ખાતું સંભાળ્યું હતું. ચૂંટણી પહેલાં ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું અને નવી સરકાર સત્તામાં આવ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરવું પડશે.
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer